ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશિષ્ટ અને પ્રશંસનીય પોલીસ સેવાની કેન્દ્ર સરકારે કરી કદર; અમિતકુમાર વિશ્વકર્મા અને બહાદુરસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા સન્માન
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્વતંત્રતા દિવસ-2026ની ઉજવણી પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા પોલીસ સેવામાં નોંધપાત્ર કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાંથી કુલ 19 પોલીસ અધિકારી-કર્મચારીઓની વિવિધ શ્રેણીના મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. લાંબા સમય સુધી ફરજ પ્રત્યેની નિષ્ઠા, જવાબદારીપૂર્વકની કામગીરી તેમજ પોલીસ સેવામાં આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને આ અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે.
ગુજરાતમાંથી પસંદ થયેલા પોલીસકર્મીઓમાં ઉચ્ચ અધિકારીથી લઈને સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં એડિશનલ ડિરેક્ટર જનરલ કક્ષાના અમિતકુમાર કિશોર વિશ્વકર્મા અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ બહાદુરસિંહ અભેસિંહ ચુડાસમાના નામ વિશેષ સેવા માટે નોંધપાત્ર છે.
રાષ્ટ્રપતિ પોલીસ મેડલ હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ફરજ અને કામગીરીના સ્વરૂપ પ્રમાણે અલગ-અલગ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવે છે. દેશની આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત ગુનાખોરી સામેની કામગીરીમાં પોલીસ કર્મચારીઓ સતત જોખમ વચ્ચે ફરજ બજાવે છે. આવી કામગીરીની નોંધ લઈ તેમને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવામાં આવે છે.
ગુજરાતની યાદીમાં અમિતકુમાર કિશોર વિશ્વકર્મા, બહાદુરસિંહ અભેસિંહ ચુડાસમા, સૌરભ દૌલલ તોલુમ્બિયા, કનૈયા લક્ષ્મણભાઈ વાઘેલા, બાબાભાઈ રામજીભાઈ કોળી, બલવંતસિંહજી મોતીસિંહજી સોલંકી, દિલીપસિંહ કીર્તિસિંહ રાણા, સંદીપ મહેન્દ્રભાઈ પટેલ, વિજયસિંહ ઘનશ્યામસિંહ રાજ, દિનેશકુમાર મણીભાઈ પટેલ અને અનિલ શિવરામન નાયરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત નાનજી તારશીભાઈ અઘેરા, સબ્બીરખાન કરીમખાન ઠેબા, અજય પ્રહલાદભાઈ ઓઝા, વરુણસિંહ ગણપતસિંહ સોલંકી, ઉત્તમસિંહ ગુણવંતસિંહ ઝાલા, રાજેશકુમાર કરશનભાઈ મીર, ભરતસિંહ નટવરસિંહ વાઘેલા અને કલ્પેશકુમાર સોમાભાઈ દેસાઈને પણ મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે.
પોલીસ મેડલની વિવિધ શ્રેણીઓમાં વીરતા મેડલ સૌથી જોખમી અને અસાધારણ પરિસ્થિતિમાં દર્શાવેલી બહાદુરીને માન્યતા આપે છે. જીવન કે સંપત્તિ બચાવવી, ગુનાને અટકાવવો અથવા જોખમ વચ્ચે ગુનેગારને પકડવા જેવી કામગીરીમાં દેખાડેલી અસાધારણ હિંમતને આ કેટેગરી હેઠળ ધ્યાનમાં લેવામાં આવે છે.
પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલ ફોર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ એટલે કે વિશિષ્ટ સેવા મેડલ પોલીસ સેવામાં લાંબા સમય સુધી નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ રેકોર્ડ ધરાવનાર અધિકારી કે કર્મચારીને આપવામાં આવે છે. જ્યારે મેરિટોરિયસ સર્વિસ મેડલ કર્તવ્યનિષ્ઠા, સમર્પણ અને મૂલ્યવાન પોલીસ સેવાની કામગીરીને બિરદાવવા માટે આપવામાં આવે છે.
સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સમારોહ સાથે જાહેર થતી આ મેડલ યાદીમાં ગુજરાતના 19 પોલીસકર્મીઓનો સમાવેશ રાજ્યના પોલીસ દળ માટે પણ ગૌરવની બાબત માનવામાં આવી રહ્યો છે. વિવિધ કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી થવાથી પોલીસ સેવામાં નિષ્ઠા અને સતત ઉત્તમ કામગીરીને રાષ્ટ્રીય સ્તરે મળેલી માન્યતા તરીકે આ સન્માનને જોવામાં આવી રહ્યું છે.


