- તાડપત્રી કાપી 60 કિલો લસણની ચોરીની પોલીસ ફરિયાદ કરવામાં આવી
- ગાંધીનગરના શેરથા ખાતે લસણની લૂંટની ઘટના નોંધાઇ છે
- અગાઉ APCMમાં લસણના વેપારીને નિશાન બનાવીને 140 કિલો લસણ ચોર્યું હતુ
રાજ્યમાં ચોર-લૂંટારાઓ અત્યાર સુધી ઘરમાં ધાડ પાડીને ચોરી કરતા હતા. પરંતુ હવે એક એવી ચોરી સામે આવી છે જેની ફરિયાદ નોંધાતાં પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ છે. જેમાં ગાંધીનગરના શેરથા ખાતે ટ્રકની તાડપત્રી કાપી 60 કિલો લસણની ચોરીની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ગાંધીનગરના શેરથા ખાતે લસણની લૂંટની ઘટના નોંધાઇ
ગાંધીનગરના શેરથા ખાતે લસણની લૂંટની ઘટના નોંધાઇ છે. તેમાં લસણ ભરેલ ટ્રકની તાડપત્રી કાપીને 60 કિલો લસણની ચોરી કરવામાં આવી છે. લસણનો ભાવ આસમાને પહોંચતા હવે લસણની ચોરીની ઘટના બની રહી છે. લસણ સાથે 130 કિલો સોપારીના પાર્સલની પણ ચોરી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
લસણના જથ્થાબંધ ભાવ 450થી 500 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે
તાજેતરમાં જ અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે આવેલી APCMમાં લસણના વેપારીને નિશાન બનાવીને ત્યાંથી 140 કિલો લસણના 14 કોથળા ચોરીને રવાના થઈ ગયા હતા. વાસણાના ગોવિંદ સાવસાએ વેજલપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ડુંગળી અને લસણનો હોલસેલ વેપાર કરે છે. શનિવારે સવારે તેમણે મધ્ય પ્રદેશથી લસણની 105 બોરીઓ ખરીદી હતી. શનિવારે રાત્રે સાવંસાને લસણની બોરીઓ જમાલપુર માર્કેટમાં લઈ જવાની હતી, તેમના કર્મચારીઓ રિક્ષામાં બોરીઓ ભરીને જતા હતા ત્યારે તેને 14 બોરી ગાયબ જોવા મળી હતી. એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, છૂટક બજારમાં લસણના જથ્થાબંધ ભાવ 450થી 500 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે.


