- ઈજાના કારણે શ્રોયસ ઐયર ઇંગ્લેન્ડ સામેની બાકીની ત્રણેય ટેસ્ટ મેચ ગુમાવશે
- તેને મેડિકલ ટેસ્ટ માટે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે મોકલવામાં આવશે
- 12મીથી ટીમ માટે ટૂંકો કન્ડિશનિંગ કેમ્પ શરૂ થાય તેવી સંભાવના છે
ભારતના મિડલ ઓર્ડરનો બેટ્સમેન શ્રોયસ ઐયર ઈજાના કારણે ઇંગ્લેન્ડ સામેની બાકીની ત્રણેય ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. રિપોર્ટના અનુસાર ઐયરને પીઠના સ્નાયુ ખેંચાઈ જવાની તથા ગ્રોઇનમાં દુખાવાની સમસ્યા થઈ છે. તેને મેડિકલ ટેસ્ટ માટે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે મોકલવામાં આવશે. બીજી ટેસ્ટ બાદ પૂરી ટીમની બેટિંગ કિટ સીધી રાજકોટ મોકલવામાં આવી હતી ત્યારે ઐયરની કિટ મુંબઇ તેના નિવાસસ્થાને મોકલી દેવામાં આવી છે. ઐયરે મેનેજમેન્ટ અને મેડિકલ સ્ટાફને માહિતી આપી હતી કે 30 કરતાં વધારે બોલ રમ્યા બાદ તેની પીઠ જકડાઈ જાય છે અને ફોરવર્ડ ડિફેન્સ રમતી વખતે તેને કમરમાં દુખાવો થાય છે. સર્જરી બાદ ઐયર પ્રથમ વખત આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે જેના કારણે તેને કેટલાક સપ્તાહનો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તે કેટલાક દિવસ બાદ એનસીએમાં રિપોર્ટ કરશે. બીજી તરફ બીસીસીઆઈએ ત્રીજી ટેસ્ટ માટે ટીમના તમામ ખેલાડીઓને 11મી ફેબ્રુઆરી રાજકોટ પહોંચવાનો નિર્દેશ કર્યો છે. 12મીથી ટીમ માટે ટૂંકો કન્ડિશનિંગ કેમ્પ શરૂ થાય તેવી સંભાવના છે.


