- નિર્મલા અગાઉ 2018માં પણ ચાર વર્ષ માટે પ્રતિબંધિત થઈ હતી
- નાડાની શિસ્ત નિર્મલાને 2023ની સાતમી ઓગસ્ટે આઠ વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધી હતી
- એનાબોલિક એન્ડ્રોજેનિક સ્ટેરોઇડ અને ટેસ્ટોસ્ટેરોનના અંશ નિર્મલા સેમ્પલમાં મળી આવ્યા હતા
ભારતીય મહિલા એથ્લેટ નિર્મલા શ્યોરણને ગયા વર્ષે થયેલા ડોપ ટેસ્ટમાં પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવામાં દોષિત માલૂમ પડયા બાદ નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સીની (નાડા) શિસ્ત સમિતિએ તેને આઠ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધી છે. 28 વર્ષીય આ એથ્લેટે 2018માં ડોપિંગનું ઉલ્લંઘન કરવા બદલ ચાર વર્ષના પ્રતિબંધનો સામનો કર્યા બાદ ગયા વર્ષના જૂનમાં ભુવનેશ્વર ખાતેની નેશનલ ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપ દ્વારા ટ્રેક એન્ડ ફિલ્ડ ઉપર પુનરાગમન કર્યું હતું. નાડાની શિસ્ત પેનલે 27મી ડિસેમ્બરે આપેલા આદેશમાં નિર્મલાને 2023ની સાતમી ઓગસ્ટે આઠ વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધી હતી. એનાબોલિક એન્ડ્રોજેનિક સ્ટેરોઇડ અને ટેસ્ટોસ્ટેરોનના અંશ નિર્મલા સેમ્પલમાં મળી આવ્યા હતા. તેણે 2017ની એશિયન ચેમ્પિયનશિપની વિમેન્સ 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ ડોપિંગના કારણે તેનો ગોલ્ડ છીનવી લેવાયો હતો. તેણે 2016ની રિયો ઓલિમ્પિકની 400 મીટર તથા વિમેન્સ ચાર બાય 400 મીટર રિલે રેસમાં ભાગ લીધો હતો. નિર્મલાના સેમ્પલ જયપુરમાં લેવાયા હતા.


