- શહેરીજન સંસ્થા અને નિવૃત અધિકારી મંડળ સેક્ટર-7-ડીની સામાન્ય સભામાં ચર્ચા
- પોસ્ટઓફીસ, આયુર્વેદિક આરોગ્ય કેન્દ્ર, સિનિયર સિટીઝન હોલ બનાવવા સૂચન
- સેક્ટરમાં તોડેલા જૂના આવાસોની સામે મલ્ટિસ્ટોરેડ સ્ટાફ ક્વાટર્સ બની
ગાંધીનગર શહેરીજન સંસ્થા સેક્ટર-7ડી અને ગાંધીનગર નિવૃત અધિકારી મંડળ સેક્ટર-7-ડી દ્વારા સંયુક્ત વાર્ષિક સામાન્યસભા યોજાઈ હતી. જેમાં નવરાત્રિ દરમિયાન મંજૂર થયેલા પેવર પેવિંગ અને કમ્પાઉન્ડ વોલ બદલ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ સેક્ટરની વિકાસની જરૂરિયાતો અંગે ચર્ચા વિચારણાને અંતે કેટલીક બાબતોના આયોજન અંગે પણ સૂચન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને સેક્ટરમાં તોડેલા જૂના આવાસોની સામે મલ્ટિસ્ટોરેડ સ્ટાફ ક્વાટર્સ બની ગયા છે. જેને પગલે ખાલી પડેલી જગ્યા પર આયુર્વેદિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટઓફીસ, સિનિયર સિટિઝન હોલ સહિતની સુવિધા ઉભી કરવા માટે માંગણી ઉઠી છે.આ ઉપરાંત સેક્ટરને ફરતે કમ્પાઉન્ડ વોલ દરવાજા અને સિક્યુરિટી સાથે નાખવા માટે માંગણી કરાઈ છે.સેક્ટર-7 ડીના બગીચાનું નવનીકરણ કરીને સેક્ટરના મુખ્ય રસ્તા-રિંગરોડનું વાઈડનિંગ કરીને ફૂટપાથ નાખવા તથા ચૌધરી હાઈસ્કૂલ સામે સુરમ્ય વૃક્ષો સાથેના પાર્કની લાગણી વસાહતીઓ દ્વારા વ્યક્ત કરાઈ છે. સેક્ટરને ફરતે સર્વીસ રોડ બનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. પોસ્ટ ઓફીસ માટેની જગ્યા ફાળવીને સિનિયર સિટીઝન હોલ બનાવીને સેક્ટરમાં શોપિંગનું વિસ્તરણ જરૂરી સુવિધા સાથે કરવા માંગ કરાઈ છે. પ્રમુખ સુમંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્યસભામાં વર્ષ દરમિયાન પ્રશ્નો અને સમસ્યાઓ પરત્વે મળેલી રજૂઆતો અને થયેલી કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.


