- ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે
- કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું
- માવઠાની શક્યતા નહિવત્ પરંતુ ખેડૂતોમાં ચિંતા
છેલ્લા કેટલાક દિવસોથી રાત્રે લઘુત્તમ તાપમાન ઉચકાઈ રહ્યુ છે. જ્યારે દિવસે મહત્તમ તાપમાનનો પારો પણ ઉચકાઈ રહ્યો હોય તેમ ઠંડીમાં ઘટાડો થયો છે. એક તરફ શિયાળાની વિદાય ચાલી રહી છે અને ઉનાળાના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. જો કે શિયાળાની ઋતુની વિદાય વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે હજુ એક ઠંડીનો ટૂંકો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતમાં બુધવારથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને ઉનાળાના આગમન પહેલાં લોકોને વધુ એક વખત ઠંડી સહન કરવી પડશે. ઠંડીનો આ છેલ્લો રાઉન્ડ હોય માર્ચ મહિનાની શરૂઆતથી ગરમીની શરૂઆત પણ થઈ જવાની શક્યતાઓ રહેલી છે. મંગળવારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પરોઢે ધુમ્મસ છવાઈ ગયુ હતુ. જેના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
ઉનાળાના આગમન વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે ફરી એક વખત ઠંડીનો ટૂંકો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે. ખાનગી વેધર સાઈટ મુજબ, આજથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. હાલ નોંધાઈ રહેલા લઘુત્તમ તાપમાનમાં 6થી 7 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતાઓ રહેલી છે. પરિણામે લોકોને વધુ એક ઠંડીનો રાઉન્ડ સહન કરવો પડી શકે છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 1પથી 19 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યુ છે. જે 25 ફેબ્રુઆરી સુધીમાં ગગડશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન ઘટીને 10 ડિગ્રી જેટલુ નીચુ રહેવાની પણ શક્યતાઓ રહેલી છે. જેના પગલે લોકોને વધુ એક વખત ઠંડીનો સામનો કરવો પડશે. પરંતુ દિવસે ગરમીનો માહોલ રહેવાની શક્યતાઓ છે.
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે શિયાળાની ઋતુના વિદાય સમયે આ પ્રકારનું વાતાવરણ સર્જાશે. મંગળવારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ પણ રહ્યુ હતુ અને વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકો પરેશાન થયા હતા. એકાએક હવામાનમાં પલટો આવવાની શક્યતાઓને પગલે ચિંતા ઉભી થઈ છે. એક તરફ રવી પાકો તૈયાર થઈ ગયા છે. અનેક ખેડૂતો ઘઉં કાઢવાની કામગીરીમાં જોડાયા આવા સમયે વાતાવરણ અસ્થિર થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં માવઠુ થવાની કોઈ શક્યતાઓ ન હોવાનું જણાવવામાં આવ્યુ છે. બીજી તરફ ઠંડીના આ છેલ્લા રાઉન્ડ બાદ માર્ચની શરૂઆતથી જ ઉનાળાનો પ્રારંભ થશે અને આગ ઓકતી ગરમી પડવાની શરૂઆત થઈ શકે છે.


