આમંત્રણની ભાષા અને લાગણીનો ઓરા!
સાદર આમંત્રણ
લોહીના સંબંધોથી પરે : નંદબાબાનું વાત્સલ્ય
શ્રીકૃષ્ણના જીવનમાં નંદબાબાનું સ્થાન માત્ર પાલક પિતાનું નહોતું, પરંતુ નિઃસ્વાર્થ પ્રેમ, વાત્સલ્ય અને પિતૃત્વની એક અદભુત અનુભૂતિનું હતું. શું પિતૃત્વ માત્ર લોહીના સંબંધથી જ બંધાયેલું હોય છે? શું કોઈ બાળકને જન્મ આપ્યા વગર પણ એટલો જ પ્રેમ કરી શકાય, જેટલો પોતાના સંતાનને કરવામાં આવે છે? આવા જ સંવેદનશીલ અને વિચારપ્રેરક વિષય પર મારી વક્તવ્યસભામાં આપ સૌને હાર્દિક આમંત્રણ છે. આપની ઉપસ્થિતિ મારા માટે આનંદ અને પ્રેરણાનો વિષય બનશે. આપ સૌને મળવાની અને આ વિચારયાત્રામાં સહભાગી થવાની આતુરતાપૂર્વક રાહ જોઈશ.
સ્નેહપૂર્વક,
પૂર્વી મોદી મલકાણ
આ આમંત્રણમાં મેં કોઈને આવવા માટે કોઈ શરત મૂકી નહોતી. કોઈ આવશે કે નહીં, કેટલા લોકો આવશે કે તેમની હાજરીથી કાર્યક્રમની વ્યવસ્થામાં કેટલો ફેરફાર થશે, એ બધી બાબતોથી પર એક જ ભાવ હતો કે આ વિચારયાત્રામાં મારા પરિચિતો અને મિત્રો પણ સહભાગી બને તો આનંદ થશે. કોઈની હાજરી આપણા માટે આનંદનું કારણ હોય ત્યારે તેને આમંત્રણ આપવાની ભાષા પણ સહજ રીતે આત્મીય બની જાય છે. પરંતુ તાજેતરમાં અમારી સિનિયર સિટીઝન કમ્યુનિટીમાં બનેલા એક નાનકડા પ્રસંગે મને આ જ આમંત્રણની ભાષા અને તેની પાછળ રહેલી ભાવના વિશે નવેસરથી વિચારવા પ્રેરિત કરી.
દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હતા. અમારી કમ્યુનિટીમાં એક પરિચિત મહિલા સાથે મુલાકાત થઈ ત્યારે તેમણે કહ્યું કે તેઓ દિવાળી નિમિત્તે ડિનરનો કાર્યક્રમ ગોઠવી રહ્યાં છે અને જો હું આવવાની હોઉં તો મને આમંત્રણ આપશે. તેમની વાત સાંભળીને મને થોડી નવાઈ લાગી, કારણ કે સામાન્ય રીતે કોઈને આમંત્રણ આપતી વખતે આપણે પહેલાં આમંત્રણ આપીએ અને પછી સામેવાળી વ્યક્તિની અનુકૂળતા જાણીએ. છતાં મેં સહજતાથી જવાબ આપ્યો કે કદાચ હું અહીં હોઉં, કદાચ નહીં, કારણ કે મારે ફિલાડેલ્ફિયા જવાનું આયોજન હતું. મારા આ જવાબ પછી તેમણે તરત જ કહ્યું, “જો તમારો આવવાનો કાર્યક્રમ નક્કી ન હોય તો હું તમને આમંત્રણ આપતી નથી. તમારી જગ્યાએ બીજા પાંચ પરિવારોને આમંત્રિત કરીશ.”
આ સાંભળીને મને હસવું પણ આવ્યું અને આશ્ચર્ય પણ થયું. મનમાં વિચાર આવ્યો કે શું હું એટલું બધું ખાઈ જાઉં છું કે મારી જગ્યાએ પાંચ પરિવારોને બોલાવવાની ગણતરી કરવી પડે! અલબત્ત, આ વિચારમાં થોડી રમૂજ હતી, પરંતુ વાતનો અર્થ મારા મનમાં રહી ગયો. કોઈ વ્યક્તિની હાજરી માટે આમંત્રણ આપવું અને તેની અવેજીમાં બીજા પાંચ પરિવારોને બોલાવવાની વાત કરવી, આ બંને વચ્ચેનો ભાવનાત્મક તફાવત મને સ્પષ્ટપણે અનુભવાયો.
આ વાત પછી પણ અમારી કમ્યુનિટીમાં તેમની સાથે ઘણી વાર મુલાકાત થતી રહી. પરંતુ તેમણે ક્યારેય ફરીથી મારા પ્રવાસ વિશે પૂછ્યું નહીં કે હું હજી અહીં જ છું કે મારો કાર્યક્રમ બદલાયો છે. સમય પસાર થયો અને દિવાળી ડિનરનો દિવસ આવી પહોંચ્યો. કાર્યક્રમમાં હાજર રહેલા કેટલાક લોકોએ મારી ગેરહાજરી નોંધીને યજમાનને પૂછ્યું કે પૂર્વી કેમ નથી આવ્યાં? તેઓ તો તમારી બાજુમાં જ રહે છે, તમે તેમને આમંત્રણ આપ્યું નથી? તમારી સાથે જ રહેતા હોવા છતાં તેમને કેમ ન બોલાવ્યાં? આ પ્રશ્નો પછી અચાનક મને ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે પણ અમારા ઘરે જમવા આવો, અમે તમારી રાહ જોઈ રહ્યાં છીએ.
મેં તેમને જણાવ્યું કે અમારી તો રસોઈ તૈયાર છે અને અમે જમવા બેસવાની તૈયારીમાં છીએ. પરંતુ સામેથી આગ્રહ થયો કે કોઈ વાંધો નહીં, તમે તમારા ઘરેથી જમવાનું છોડીને અમારી સાથે જમવા આવો, અમે રાહ જોઈ રહ્યાં છીએ. આ અચાનક આવેલા આગ્રહથી હું અને મારા પતિ બંને મૂંઝવણમાં મુકાઈ ગયાં. એક તરફ પડોશી તરીકેના સંબંધો જાળવવાની જવાબદારી હતી, તો બીજી તરફ અગાઉની વાતને કારણે મનમાં એક પ્રકારની અસમંજસ હતી. અમને વારંવાર એક જ વિચાર આવતો હતો કે આ આમંત્રણ ખરેખર અમને યાદ કરીને આપવામાં આવ્યું છે કે ત્યાં હાજર રહેલા લોકોએ પૂછ્યું એટલે અમને બોલાવવાની ફરજ પડી છે? અંતે અમે નક્કી કર્યું કે ચાલો, પડોશીધર્મ નિભાવવો જોઈએ. બધા ભેગા થયા છે, થોડો સમય બેસી આવીએ.
અમે ત્યાં પહોંચ્યાં, પરંતુ મનની મૂંઝવણ હજી દૂર થઈ નહોતી. જમવાનું પીરસાયું ત્યારે મેં માત્ર બે ટુકડા ઢોકળા ખાધા અને ત્યાંથી નીકળી ગઈ. બહારથી જોતાં કદાચ આ એક સામાન્ય મુલાકાત હતી, પરંતુ મારા મનમાં સતત એક જ વિચાર ફરી રહ્યો હતો કે જો બીજા મહેમાનોએ પૂછ્યું ન હોત તો કદાચ અમને આમંત્રણ મળ્યું જ ન હોત. મેં પડોશી તરીકેની મારી ફરજ નિભાવી હતી, પરંતુ મનથી એ પ્રસંગનો ભાગ બની શકી નહોતી. ભોજનની વિવિધ વાનગીઓ કરતાં એ ક્ષણે મને આમંત્રણની શરૂઆતમાં બોલાયેલા શબ્દો જ વધારે યાદ આવી રહ્યા હતા.
અમે ત્યાંથી નીકળતાં હતાં ત્યારે યજમાને કહ્યું કે મારા બોલવાથી કદાચ ગેરસમજ ઊભી થઈ હશે, તે બદલ સોરી. તેમની માફી મેં સ્વીકારી, પરંતુ મનમાં એક પ્રશ્ન રહી ગયો કે શું માત્ર માફી માગી લેવાથી આમંત્રણની શરૂઆતમાં ઊભી થયેલી લાગણીની ખોટ પૂરી થઈ શકે? કદાચ તેમની દૃષ્ટિએ એ એક સામાન્ય વાત હશે, પરંતુ મારા માટે આ પ્રસંગ આમંત્રણના સાચા અર્થને સમજવાનો અનુભવ બની ગયો.
ખરેખર તો કોઈને આમંત્રણ આપવાની પણ એક સુંદર કળા હોય છે. સામેવાળી વ્યક્તિ પોતાનો કાર્યક્રમ નક્કી કરી શકતી ન હોય ત્યારે તેને સહજતાથી કહી શકાય કે તમારો કાર્યક્રમ નક્કી થાય ત્યારે અમને જણાવજો, તમે આવી શકશો તો અમને આનંદ થશે. અથવા તો એવું પણ કહી શકાય કે અમારી તૈયારી તો ચાલુ જ રહેશે, તમે અહીં હો અને તમને અનુકૂળ હોય તો જરૂર જોડાઈ જજો. આ શબ્દોમાં કોઈ દબાણ નથી, કોઈ શરત નથી, પરંતુ સામેવાળી વ્યક્તિ માટે એક સ્થાન અને આત્મીયતાનો ભાવ છે. જો વ્યક્તિ સ્પષ્ટપણે ના પાડે તો પણ હસતાં મુખે કહી શકાય કે કોઈ વાંધો નહીં, ફરી કોઈ પ્રસંગે સાથે મળીશું. અને જો સંબંધમાં વિશેષ નિકટતા હોય તો પ્રેમથી એવો આગ્રહ પણ કરી શકાય કે તમારા વગર તો અમારી મહેફિલ અધૂરી લાગશે, થોડો સમય કાઢીને જરૂર આવજો. આવા આગ્રહમાં એક મીઠાશ હોય છે, કારણ કે તેમાં સામેવાળાની હાજરીનું મહત્ત્વ વ્યક્ત થાય છે.
આપણે આપણા સમાજમાં આમંત્રણની કેટલીય સુંદર પરંપરાઓ જોઈ છે. એક સમય હતો જ્યારે કોઈના ઘરે લગ્ન, ઉત્સવ કે સામૂહિક પ્રસંગ હોય ત્યારે આમંત્રણ આપવા માટે વ્યક્તિ રૂબરૂ જતી. ક્યારેક તો ખાસ માણસને આમંત્રણ આપવા મોકલવામાં આવતો. રાજા-રજવાડાના સમયમાં રાજદરબારમાંથી આમંત્રણ લઈને આવનાર દૂતનું પણ વિશેષ સ્વાગત કરવામાં આવતું. આમંત્રણ પહોંચાડવાની એ પરંપરામાં માત્ર સમાચાર આપવાનો હેતુ નહોતો, પરંતુ આમંત્રિત વ્યક્તિને અપાતા માનનું પણ મહત્ત્વ હતું. સમય બદલાયો, જીવનની ગતિ વધી અને ટેક્નોલોજીએ સંવાદની રીત બદલી નાખી. આજે ફોન, સંદેશા કે સોશિયલ મીડિયા દ્વારા એક ક્ષણમાં અનેક લોકોને આમંત્રણ આપી શકાય છે. આમંત્રણ પહોંચાડવાનું માધ્યમ બદલાયું છે, પરંતુ તેની પાછળની લાગણીનું મૂલ્ય તો આજે પણ એટલું જ હોવું જોઈએ.
ખાસ કરીને અમેરિકાની સિનિયર સિટીઝન કમ્યુનિટીઓમાં લોકો પોતપોતાની સ્વતંત્ર જીવનશૈલી, પ્રવાસ, પારિવારિક જવાબદારીઓ અને વ્યક્તિગત આયોજન સાથે રહે છે. અહીં દરેક વ્યક્તિ પાસે પોતાની અનુકૂળતા અને સમયની મર્યાદાઓ હોય છે. તેથી કોઈને બોલાવવું હોય તો પ્રેમથી બોલાવવું અને ન આવી શકે તો તેની પરિસ્થિતિનો આદર કરવો એ જ સંબંધોને સુંદર રાખવાનો સરળ માર્ગ છે. દરેક આમંત્રણ સ્વીકારવું શક્ય નથી અને દરેક વ્યક્તિ દરેક પ્રસંગે હાજર રહી શકે એવું પણ નથી. પરંતુ કોઈ વ્યક્તિ આવી શકે કે નહીં એના આધારે તેના પ્રત્યેના સ્નેહનું માપ નક્કી થવું જોઈએ નહીં.
આ સમગ્ર અનુભવમાંથી મને એક વાત સમજાઈ કે આમંત્રણ માત્ર ઘરના દરવાજા સુધી પહોંચતું નથી, તે પહેલાં સામેવાળાના મન સુધી પહોંચે છે. શબ્દો દ્વારા વ્યક્ત થતી ભાવના, બોલવાની રીત, આગ્રહની મીઠાશ અને વ્યક્તિને આપવામાં આવતું મહત્ત્વ, આ બધું મળીને આમંત્રણનો એક વિશિષ્ટ ઓરા સર્જે છે. કોઈના ઘરે જવાનું કે નહીં જવાનું નક્કી કરવામાં ઘણી વાર સ્થળ, ભોજન કે કાર્યક્રમ કરતાં પણ ત્યાં મળનારી આત્મીયતા વધુ મહત્ત્વ ધરાવે છે. કારણ કે માણસ માત્ર જમવા માટે જ કોઈના ઘરે જતો નથી, તે સંબંધોની હૂંફ માણવા, સાથે સમય વિતાવવા અને પોતાને કોઈના જીવનમાં મહત્ત્વનું સ્થાન છે તે અનુભવવા પણ જાય છે.
આમંત્રણ આપતી વખતે આપણે ઘણી વાર મહેમાનોની સંખ્યા, ભોજનની વ્યવસ્થા, બેઠકો અને આયોજનની મર્યાદાઓનો વિચાર કરીએ છીએ, જે સ્વાભાવિક છે. પરંતુ એ જ વાતને વ્યક્ત કરવાની ભાષા પણ એટલી જ મહત્ત્વની છે. ‘તમે આવશો તો જ તમને બોલાવું, નહીં તો તમારી જગ્યાએ બીજા પાંચ પરિવારોને બોલાવીશ’ અને ‘તમને અનુકૂળ હોય તો જરૂર આવજો, તમારી હાજરીથી અમને આનંદ થશે’ આ બંને વાક્યોનો આશય ભલે એક કાર્યક્રમનું આયોજન કરવાનો હોય, પરંતુ તેમની વચ્ચેની લાગણીની દુનિયા સાવ જુદી છે. પહેલું વાક્ય વ્યક્તિને એક વિકલ્પ કે સંખ્યાના ભાગરૂપે મૂકે છે, જ્યારે બીજું વાક્ય તેને સંબંધના મહત્ત્વપૂર્ણ હિસ્સા તરીકે સ્વીકારે છે. છેવટે, આમંત્રણમાં કેટલા લોકોને બોલાવ્યા, કેટલી વાનગીઓ બનાવી કે કેટલો મોટો કાર્યક્રમ યોજ્યો તેનાથી તેની સુંદરતા નક્કી થતી નથી; પરંતુ કોને કેટલી આત્મીયતાથી યાદ કર્યા અને તેમની હાજરીને કેટલું મહત્ત્વ આપ્યું તેનાથી તેની સાચી ઓળખ થાય છે. કોઈને આમંત્રણ આપતાં પહેલાં એક વાર વિચારવું જોઈએ કે આપણા શબ્દોથી સામેવાળાને આવકારનો અનુભવ થશે કે પોતાની હાજરીની કિંમત સમજાવવાની ફરજ પડશે? કારણ કે આમંત્રણ આપવું એ માત્ર કોઈને બોલાવવાની ક્રિયા નથી, પરંતુ સંબંધને માન આપવાની એક સંસ્કારી અભિવ્યક્તિ છે.
કદાચ એટલે જ મને લાગે છે કે આમંત્રણની સુંદરતા તેની ભવ્યતામાં નહીં, પરંતુ તેની પાછળ રહેલી લાગણીમાં વસે છે. જ્યાં હૃદયથી આવકાર હોય ત્યાં બે શબ્દો પણ પૂરતા હોય છે અને જ્યાં માત્ર ઔપચારિકતા હોય ત્યાં લાંબું આમંત્રણ પણ અધૂરું રહી જાય છે. સાચું આમંત્રણ એવું હોવું જોઈએ કે સામેવાળી વ્યક્તિને ત્યાં જવાની ઈચ્છા થાય, નહીં કે પોતે ત્યાં જવા માટે કોઈની મહેરબાની સ્વીકારી રહી છે એવી અનુભૂતિ થાય.


