- દારૂ વેચવા કુટુંબી જમાઇને રોજના રૂ.500 લેખે નોકરીએ રાખ્યો હતો
- 1.4 લાખના દારૂ- બિયર સહીત 2. 18 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
- પિતરાઇ જમાઇ અજીત વિનુ ઠાકોરને પકડી પાડવામાં આવ્યા હતા
ગાંધીનગરના લવારપુરમાં વિદેશી દારુનુ વર્ષોથી સામ્રાજ્ય ચલાવતા કુખ્યાત અને પ્રોહીબીશનના ગુનામાં લિસ્ટેડ બુટલેગરને આરઆરસેલે પકડી પાડયો હતો. લગ્નની સિઝનમાં વિદેશી દારુ તથા બિયરની ડિમાન્ડ વધી હોવાની વિગતો છે. જેથી બુટલેગરે રાજસ્થાનથી દારુ મંગાવીને ખુલ્લેઆમ વેચાણ ચાલુ કર્યુ હતુ. એસએમસીની ટીમે બુટલેગરના ઘરે રેડ કરીને અવાવરુ મકાનોમાં સંતાડેલો દારુ બીયરના જથ્થાને શોધી કાઢયો હતો. જમીનમાંથી તેમજ મકાનના છાપરામાંથી દારુ પકડીને 1.4 લાખની કિંમતની 517 બોટલો કબજે કરી હતી. બુટલગેર મનોજ ભીમા ઠાકોર તથા તેના પિતરાઇ જમાઇ અજીત વિનુ ઠાકોરને પકડી પાડવામાં આવ્યા હતા. તેણે પોતાના કુંટુબી જમાઇ અજીતને દારુ વેચાણ કરવા માટે રોજના 500 રુપિયાથી નોકરીએ રાખ્યો હોવાની વિગતો છે.સ્ટેટ મોનિટરીંગ સેલને ખાનગીમાં બાતમી મળી હતી કે નાના લવારપુર આવાસ યોજનાના મકાનમાં રહેતો મનોજ ભીમા ઠાકોર તેના ઘર પાસે જ એક્સેસ મોપેડની ડેકીમાં દારુ રાખીને વેચાણ કરે છે અને હાલમાં દારુ વેચાણ કરવાનુ ચાલુ છે. આ હકીકતના આધારે આરઆરસેલની ટીમે લવાર પુરના પેટાપરા નાના લવારપુર ઇન્દીરાનગરમાં રેડ કરી હતી અને બે ઇસમોને બે જુદા જુદા મોપેડ સાથે પકડી પાડયા હતા. બંનેએ પોતાના નામ મનોજ ભીમાજી ઠાકોર તથા બીજાનુ નામ પુછતા અજીત વિનુ ઠાકોર હોવાનુ જણાવ્યુ હતુ. બંનેના મોપેડમાંથી દારુનો જથ્થો પણ મળી આવ્યો હતો પોલીસે ઘરમાં તપાસ કરતાં બુટલેગરે સંતાડેલા દારુના જથ્થાને જોઇ આરઆરસેલની ટીમ પણ ચોંકી ગઇ હતી. નવા બનતા મકાનની રેતીમાંથી, તેના મકાનની સામે આવેલા અવાવરુ મકાનની આગળ જમીનમાંથી તથા બીજા એક અવાવરુ મકાનના બાથરુમમાંથી, મકાનના છાપરાની અંદર પ્લાસ્ટીકની થેલીઓમાંથી દારુ તથા બીયરનો જથ્થો પોલીસે શોધી કાઢયો હતો. કુલ 1.4 લાખની કીમતની 517 નંગ બોટલો સહીત કુલ 2.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડભોડા પોલીસે આ મામલે મનોજ ભીમા ઠાકોર તથા અજીત વિનુભાઇ ઠાકોર (બંને રહે. ઇન્દીરાનગર, લવારપુર) તેમજ દારુનો જથ્થો મોકલનારા લોકેશ મારવાડી (રહે. તીલકનગર. ભીલવાડા રાજસ્થાન) તથા ઓમકાર મારવાડી (રહે. ખેરવાડા રાજસ્થાન) વિરુધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો.
બુટલેગરે ભુતકાળમાં પોલીસ મથકમાં દવા પીવાનુ નાટક કર્યુ હતુ
લવારપુર પંથકમાં મનોજ ભીમા ઠાકોર કુખ્યાત અને માથાભારે બુટલેગર તરીકેની છાપ ધરાવે છે. ભુતકાળમાં મનોજ ભીમા પોલીસને પણ દબાવવાનો હીન પ્રયાસ કરી ચુક્યો છે . તેણે ડભોડા પોલીસ મથકમાં દવા પીને આપઘાત કરવાનુ તરકટ રચ્યુ હતુ. જેમાં તે ફાવ્યો નહોતો અને પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. ફિરોજપુર પાસે દારુની બોટલને રોડ ઉપર ફેકીને ફોડી નાંખવા સહીત ડભોડા પોલીસ સ્ટેશનમાં દારુના ગુનામાં લિસ્ટેડ બુટલેગરની યાદીમાં છે. પેથાપુરમાં જુગારના ગુનામાં પકડાઇ ચુક્યો છે. ભુજ ખાતે પાસાના ગુનામાં અટકાયત થયેલી છે.
દારૂનો જથ્થો ભીલવાડાથી અમદાવાદવાળી ટ્રાવેલ્સમાં આવતો
લવારપુરના બુટલેગર મનોજ ભીમાને દારુનો જથ્થો ભીલવાડાથી અમદાવાદ શાહીબાગ સુધી ટ્રાવેલ્સ બસ લઇને આવતો બસનો ચાલક લોકેશ મારવાડી તથા અન્ય એક ઓમકાર મારવાડી નામનો ઇસમ ગાડીમાં આપી જતો હતો. લોકેશ છેલ્લા આઠ વર્ષથી લક્ઝરી બસ ચલાવે છે જેથી રાજસ્થાનથી બસ લઇને આવે ત્યારે લવારપુર પાસે દારુના પાર્સલ મનોજ ઠાકોરને આપતો હતો. જે માટે તેને પેટી દીઠ પૈસા આપતો હતો. લોકેશ મારવાડી વિરુધ્ધ મોટા ચિલોડા ખાતે દારુનો ગુનો નોંધાયેલો છે. બીજો એક ઓમકાર મારવાડી નામનો ઇસમ પણ દારુનો જથ્થો કારમાં આપી જતો હોવાની કબુલાત કરી હતી.


