- પાકિસ્તાનના બાબર આઝમે T20માં 11 સદી ફટકારી
- બાબરના T20માં 44.39ની એવરેજથી 10256 રન
- વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે T20માં 22 સદી ફટકારી
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમે T20 ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે સોમવારે પાકિસ્તાન સુપર લીગ (PSL) અંતર્ગત રમાયેલી મેચમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. ઈસ્લામાબાદ યુનાઈટેડ સામે પેશાવર ઝાલ્મી માટે રમતી વખતે, તેણે ઓપનિંગ કર્યું અને 176થી વધુના સ્ટ્રાઈક રેટથી 14 ફોર અને 2 સિકસ ફટકારીને 63 બોલમાં અણનમ 111 રન બનાવ્યા હતા. આ સાથે પેશાવર ઝાલ્મીના કેપ્ટન બાબર આઝમે T-20 ક્રિકેટમાં પોતાની 11મી સદી પૂરી કરી હતી.
ક્રિસ ગેલ પછી સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
બાબર આઝમે પોતાની T20 કારકિર્દીમાં 283 મેચની 273 ઇનિંગ્સમાં 11 સદી અને 84 ફિફ્ટી ફટકારી છે. અત્યાર સુધી તેણે 44.39ની એવરેજથી 10256 રન બનાવ્યા છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે બાબર આઝમ બીજા સ્થાને છે. જ્યારે પ્રથમ સ્થાને વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ છે જેણે T20માં 22 સદી ફટકારી છે. એટલે કે બાબર આઝમ ક્રિસ ગેલના રેકોર્ડને તોડવાથી 12 સદી દૂર છે. એવું કહી શકાય કે બાબર આઝમ જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તે જલ્દી જ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખશે.
બાબર આઝમનું શાનદાર પ્રદર્શન
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ બાદ પાકિસ્તાન સુપર લીગમાં બાબર આઝમનું બેટ કમાલ કરી રહ્યું છે. તેણે પ્રથમ મેચમાં 68 રન, બીજી મેચમાં 72 રન, ત્રીજી મેચમાં 31 અને ચોથી મેચમાં 48 રન બનાવ્યા હતા. હવે તેણે શાનદાર સદી ફટકારીને ટીકાકારોને ચૂપ કરી દીધા છે. T20માં બાબર આઝમની ધીમી બેટિંગને લઈને ઘણા સવાલો ઉભા થયા છે, પરંતુ તેણે ઈસ્લામાબાદ યુનાઈટેડ સામે ઈમ્પ્રુવાઇઝ્ડ શોટ્સ સાથે જે રીતે વિસ્ફોટક બેટિંગ કરી તેનાથી ક્રિકેટ પ્રેમીઓ ખુશ થઈ ગયા હતા.
આરિફ યાકૂબની શાનદાર બોલિંગ
મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા પેશાવર ઝાલ્મીએ બાબર આઝમની સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા ઈસ્લામાબાદ યુનાઈટેડ 9 વિકેટે 193 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ હતી. બાબરની ટીમનો યુવા બોલર આરીફ યાકુબ સ્ટાર બન્યો હતો. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ લીધી હતી. પેશાવર ઝાલ્મીનો આગામી મુકાબલો 2 માર્ચે લાહોર કલંદર્સ સામે થશે. જેમાં ફરી એકવાર બાબર આઝમની વિસ્ફોટક બેટિંગ જોવા મળી શકે છે.


