- મનોજ જરાંગે પાટિલના ઉપવાસ સોમવારે પૂર્ણ થયા
- મનોજ વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ દાખલ
- સોમવારે જાલનામાં કર્યુ હતું વિરોધ પ્રદર્શન
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઇને આંદોલનની આગેવાની કરનાર મનોજ જરાંગે પાટિલે 17 દિવસના અનસન સોમવારે જ સમાપ્ત કર્યા છે. વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલ પાસ થયા બાદ હવે મહારાષ્ટ્ર સરકાર આંદોલન કરનાર નેતા મનોજ જરાંગે પર ચાંપતી નજર રાખી રહી છે. મનોજ પાટીલ વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 341, 143, 145, 149 અને 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મનોજ જરાંગે પર શું છે આરોપ ?
અનામત આંદોલન દરમિયાન સામાન્ય લોકોને રોડ બ્લોક કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો. લોકોને મુશ્કેલી પડી હતી. બીડના એસપી નંદકુમાર ઠાકુરના જણાવ્યા અનુસાર, 25 અન્ય સ્થળોએ ટ્રાફિક જામના કેસ પણ નોંધવામાં આવ્યા છે.
સોમવારે કર્યો હતો આક્રમક વિરોધ
કહેવામાં આવી રહ્યું છે કે મનોજ જરાંગે પાટીલે ફરી એકવાર એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. રવિવારે તેઓએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેમના એન્કાઉન્ટર માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. .સોમવારે મરાઠા પ્રદર્શનકારીઓએ ફરી એકવાર હંગામો મચાવ્યો હતો. જાલનામાં બસને આગ ચાંપી દીધી હતી. અંબાડ તાલુકામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. જાલના, બીડ અને છત્રપતિ શંભાજીનગરમાં ઈન્ટરનેટ સેવા 10 કલાક માટે બંધ કરી દેવામાં આવી હતી.
ઓબીસી કોટા હેઠળ અનામત આપવાની માંગ
તમને જણાવી દઈએ કે શિંદે સરકારે મરાઠાઓની માંગણીઓ સ્વીકારી લીધી હતી અને 20 ફેબ્રુઆરીએ વિશેષ સત્ર દરમિયાન મરાઠા આરક્ષણ બિલને વિધાનસભામાં પાસ કરાવ્યું હતું. આ અંતર્ગત નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. હવે મરાઠાઓનું આરક્ષણ 62 ટકા પર પહોંચી ગયું છે. જો કે તેમને ઓબીસી હેઠળ અનામત આપવામાં આવે તેવી માંગ છે. સુપ્રીમ કોર્ટે પહેલા જ કહ્યું છે કે કોઈપણ સમુદાયને 50 ટકાથી વધુ અનામત આપી શકાય નહીં.


