રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
પરમાત્મા નિર્લેય છે, જીવાત્મા નિર્લેપ નથી, માયાગ્રસ્ત જીવ સંશય કરે છે
નાભી અને નભવાણી ગંભીરતાથી સાંભળવી
રામચરિત માનસમાં ‘અમૃત’ શબ્દ બે જ વખત પ્રયોજાયો છે
ઉત્તરાખંડના હરિદ્વાર-તીર્થભૂમિ અને પતિતપાવની ગંગામૈયાની સાક્ષીએ પરમ પ્રવાહિત થઈ રહેલી રામકથા ‘માનસ અમૃતમગમય’ ગઈકાલે ત્રીજા દિવસના પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમમય સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું કે, એક પ્રશ્ન પૂછાયો છે કે-બાપુ, ‘અસતોમા સદ્દગમય, તમસો મા જ્યોર્તિગમય, મૃર્ત્યો મા અમૃતમગમય….’ એ શ્લોક વિશે વિશેષ કહોને. આપણો પ્રેમસંવાદ ચાલી રહ્યો છે ત્યારે એટલું જ કહું કે વિવાદ, દૂર્વાદ, અપવાદ માટે કશી જીજ્ઞાસા કે પ્રશ્ન પૂછાય તો એ માટે કશું ન બોલાય પણ સંવાદ હોય તો વાત થાય. બાપ, ‘અસતો મા સદગમય’ એ મારી દ્રષ્ટિએ સત્ય છે, ‘તમસો મા જ્યોર્તિગમય’એ પ્રેમ છે અને ‘મૃત્યોમા અમૃતમગમય’એ કરૂણા છે. રામચરિત માનસની આ પ્રસ્થાનત્રથી છે. તુલસીના માનસમાંથી તલગાજરડાને પણ આ પ્રસ્થાનત્રથી પ્રાપ્ત થઈ છે. શાસ્ત્રીય અને સાઘ્વીયરૂપે આ ત્રણ માર્ગ સમર્થ અને સાર્થક છે. આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ, પ્રેમના પ્રકાશ તરફ લઈ જાય એ ‘તમસો મા જ્યોર્તિગમય’ છે જ્ઞાનમય દીપ બુઝાય જાય, જ્યારે પ્રેમ-ભક્તિ, પરમ પ્રેમનો પ્રકાશ ક્યારેય બુઝાતો નથી. ભક્તિ કેવળ પ્રેમ નથી એ પરમ પ્રકાશ છે. ‘અમૃતમગમય’એ કરૂણા છે. મૃત્યુ કરાલ છે પણ કરૂણા અમૃત છે. પરમાત્મા કરૂણામૃત સાગર છે. કૃપા માગવી પડે છે જ્યારે કરૂણા આપોઆપ થઈ જાય છે.
પ્રેમનો પ્રકાશ આપણને સુવા નથી દેતો. જેના ઘરમાં નિરંતર પ્રેમનો દિવો બળતો હોય ત્યાં કામ, ક્રોધ, લોભ, મદ અને મોહ નામના ચોર પ્રવેશતા નથી. આપણે જીવાત્મા છીએ. પરમાત્મા નિર્લેપ છે. જીવાત્મા નિર્લેપ નથી. માયાગ્રસ્ત જીવ સંશય કરે છે. ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે, ‘સંશયાત્મા વિનશ્યતી’ આપણે સૌ જીવ છીએ એટલે સંશયોમાં જીવીએ છીએ. આપણે નભવાણી અને નાભવાણી ગંભીરતાથી સાંભળવી જોઈએ. તો જ આપણા સંશયો નાશ પામશે. ગુરૂ વિશે કોઈએ પૂછ્યું છે કે, સાધના ગુરૂ વગર થઈ શકે? કેટલાક લોકો ગુરૂ શરિરને માનતા નથી! ઘણા લોકો એવું બોલે કે, ‘આપના હદયમાં બિરાજમાન પરમાત્માને હું પ્રણામ કરું છું’ અરે! ભાઈ, ગુરૂના શરિરને સ્વીકારીને! કબીર સાહેબ, રામકૃષ્ણ પરમહંસ, તુકારામ, નામદેવ વગેરે શરીરથી આ ધરતી પર આવ્યા છે તો એનો સ્વીકાર કરો, એ માનોને!
હમણા કચ્છથી એક યુવાન તલગાજરડા આવેલો. કચ્છમાં ખૂબ જ રામકથા-રામસ્મરણ-રામનામ લેવાય છે તો એ યુવાને મને માનસના સંદર્ભે એક સરસ નિરીક્ષણ કહ્યું. મને પોતાને આટલા વર્ષો સુધી એ ખબર ન્હોતી. એ કચ્છના યુવાન પાસેથી મેં પેલી વખત આ સાંભળ્યું. બાપ, જ્યાંથી સત્ય મળે, શુભ-સરસ-વિચાર મળે એનો સ્વીકાર કરો અને એના ઉલ્લેખ સાથે એનો સ્વીકાર કરવો. ઘણા લોકો ઓશોના વિચારો કહે પણ ઓશોનું નામ ન બોલે! તો એ કચ્છી યુવાને મને વાત કરી (કિશન પણ સાંભળતો હતો (કિશન-વારાણસી) યુવાન બોલ્યો કે બાપુ, માનસમાં રામ જ્યારે-જ્યારે લક્ષ્મણને કોઈ વાત કહે ત્યારે ‘દેખ હું તાત, દેખ હું લછમન, દેખહું…’ એમ દેખાડવાની જ વાત કરે છે અને ભરતને ‘સુન હું ભરત’ ‘સુનહું ભાત’ એમ ‘સુનહું’ એટલે કે ‘સાંભળ’ એમ કહીને વાત કરે છે. આનું કારણ શું? કારણ લક્ષ્મણ શેષાવતાર છે અને સાપને કાન નથી હોતા એટલે લક્ષ્મણને ‘દેખહું’ એમ કહીને વાત કરે છે. હવે આ રહસ્યની તો મને પણ ખબર ન્હોતી. પણ એ યુવાને સ્વાઘ્યાય-અઘ્યયન દ્વારા એક ઉત્તમ નિરીક્ષણ મારી સામે રજૂ કર્યું. ધન્ય છે.
એક બાપ એના દીકરાને રમવાની ના પાડે છે. દીકરો આખો દી’રમ્યા જ કરે. બસ રમ્યા જ કરે! એનો બાપ એને રમવાની ના જ પાડ્યા કરે, ગુસ્સો કરે ત્યારે દીકરો પાછો દાખલા આપતા કહે કે જો ગાંગુલી રમે છે, ક્રિકેટરોના દાખલા આપે, સચીન રમે છે, વૈભવ વગેરે રમ્યા જ કરે છે તો હું રમું છું એમાં તમને વાંધો શું છે? ત્યારે બાપ કહે છે કે, એ લોકો ક્રિકેટ રમે છે અને તું જુગાર રમે છે! બાપ, ગુરૂ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ છે. અરે! પૂર્ણ અસ્તિત્વ છે. ગુરૂમાં પાંચેય તત્વો-આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. આ પાંચે પાંચ તત્ત્વોનું ચૈતન્ય ગુરૂમાં છે. જોકે આ પાંચ તત્ત્વોને જડ કહ્યા છે. પણ ગુરુમાં આ પાંચ તત્વો અમૃત બની જાય છે. જડ પણ ચેતનમય બની જાય એ ગુરૂ. કેમ કે ગુરૂમાં આ પંચતત્વ સક્રીય નથી. નિરંતર સક્રિય છે. મેં કાલે કહ્યું હતું કે, કુસંગને કારણે માણસ અવળે માર્ગ જાય છે પણ સ્વાભાવીક એટલે કે મૂળમાં જે નિંદક હોય એને સુધારવો મુશ્કેલ છે. વાલિયો લુંટારો હતો પણ નારદ જેવો ગુરૂ મળ્યા તો વાલ્મીકીજી થયા. એ જ રીતે બુદ્ધનો શિષ્ય અંગુલીમાલ, મુળથી ખરાબ ન્હોતો બુદ્ધનો સ્પર્શ થયો અને અંગુલીમાલ બુદ્ધ ભિખુ બની ગયો. રાજા પ્રસન્નજીત અંગુલીમાલનું નામ સાંભળીને ખુબ ડરતા હતા. બુદ્ધ ભગવાન કહે છે કે એ અંગુલીમાલ અહીં આસપાસ જ છે! ત્યારે પ્રસન્નજીતને આશ્ચર્ય અને ડર લાગે છે એ બુદ્ધને ડરતા-ડરતા કહે છે કે, ભગવાન શું વાત કરો છો! એ અહીં આસપાસમાં જ છે? તો તો એ તમને મારી નાખશે, મનેય મારી નાખશે. ત્યારે બુદ્ધે તેમની સાથે રહેલા ભિખ્ખુઓમાંથી અંગુલીમાલને બોલાવે છે અને કહે છે કે આ રહ્યો અંગુલીમાલ, હવે એ અંગુલીમાલ નથી રહ્યો, સાધક-બૌદ્ધ ભિખ્ખુ બની ગયો છે. થોડીકવાર તો રાજા પ્રસન્નજીત ડરી ગયા ત્યારે અંગુલીમાલ બોલે છે. રાજા હવે મારી બીક ન રાખો. પ્રસન્નજીત અંગુલીમાલને ત્રણ પ્રશ્નો પૂછે છે કે, તારું મૂળ નામ શું છે? તારા પિતાનું નામ? માતાનું નામ? અંગુલીમાલ કહે છે મારું મુળ નામ અહિંસક છે. અંગુલીમાલનું મુળનામ અહિંસક હતું! (આશ્ચર્યની વાત છેને?) મારા પિતાનું નામ ગર્ગ અને માતાનું નામ મંત્રીણી. બાપ, આ છે શરીરગુરૂનો મહિમા.
રામકથા અમૃત છે. કોઈ૫ણ ભગવદ કથા એ અમૃત છે. બીજું અમૃત છે રામનામ. તમે બીજું કશું ન કરો, કોઈ સાધના ન કરો, માત્ર રામનામ-રામસ્મરણ લો. ગાંધીજીનો અનુભવ પણ કહે છે કે મને રામનામે ઉગાર્યો છે.
કથારત્નો
૧) પ્રેમનો પ્રકાશ આપણને સુવા નથી દેતો! જેના ઘરમાં નિરંતર પ્રેમનો દિવો પ્રજ્વલિત છે ત્યાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ નામના ચોર પ્રવેશતા નથી.
૨) ગુરૂ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ છે એટલું જ નહીં ગુરૂ પૂર્ણ અસ્તિત્વ છે.
3) વ્યાસપીઠ બેઈમાન ન હોવી જોઈએ.ક


