મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
મારી વ્યાસપીઠ તમને રડતાં શીખવે છે, આંસુ અમૃત છે.
વિયોગમાં માણસ જીવી પણ જાય પણ વિરહમાં મરી જવાય છે!
પૃથ્વી અમૃત છે, એમાં ભારત માતા પરમ અમૃત છે
ઉત્તરાખંડની તીર્થભૂમિ-દેવભૂમિ હરિદ્વારમાં ગંગા મૈયાના વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ અમૃતમગમય’ના પાંચમા દિવસે શનિવારે કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતાં પ્રિયબાપુએ કહ્યું કે એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ, ધરામૃત અને અધરામૃત શબ્દ સમજાવો. જવાબ: ધરામૃત-અધરામૃત એક જ છે. પૃથ્વી-ધરા-અમૃત છે. આપણે પૃથ્વીને વિષાકત ઝેર જેવી કરી છે. એ અલગ વાત છે. અધરામૃતનો અર્થ હોઠનું અમૃત. જીભ-કંઠ-દાંત કે ગલોફા ય હોય પણ હોઠ ન હોય તો સ્પષ્ટ બોલી ન શકાય. બૃધ્ધપુરૂષના હોઠથી નીકળેલા વચનો અધરામૃત છે. અહીં અધર એ કેવળ લૌકીક નથી. શ્રોતા માટે આ જ્ઞાન છે., વકતા માટે ગાન છે. મારા માટે આ ગાન છે. જો કે જ્ઞાનને પણ અમૃત કહ્યું છે પણ અમે તો ગાઇએ છીએ.
જ્ઞાનમાં અખંડ એકાગ્રતા ન રહે પણ ગાનમાં એકાગ્રતા રહે છે. તો આ પૃથ્વી-ધરા-એ અમૃત છે. એમાંય ભારત માતા પરમ અમૃત છે. ભગવદગીતા અમૃત છે. કેમ કે ગીતા ભારતમાં અવતરીત થઇ છે. રામચરિત માનસમાં કેટકેટલા અમૃત છે. મને હરિશભાઇએ મહુવાથી યાદી મોકલી છે. એના સ્વાધ્યાય સાર્થક કરૂ, કઇ-કઇ ચોપાઇઓમાં અમૃત શબ્દ આવે છે એની યાદી છે. માનસમાં પંદર જેટલા અમૃતની ચર્ચા છે. જેમ કે નયનામૃત, સાધુરૂપ અમૃત, સંતામૃત, ગિરામૃત (વાણીનું અમૃત), કૃપામૃત, સરિતામૃત, છબીઅમૃત, સૌંદર્યામૃત, પ્રેમામૃત, સુખામૃત, નામામૃત અને વચનામૃત વગેર…. પંચામૃતમાં દુધ, દહીં, ઘી, સાકર અને મધ હોય છે. આ પંચામૃતનું એક આધ્યાત્મિક છે
રામકથાના છઠ્ઠા દિવસે ગઇકાલે રવિવારે કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું કે શ્રવણ મોટામાં મોટું અમૃત છે. શ્રવણના સોપાન છે. શ્રવણ, ચિંતન-મનન, નિદીધ્યાસન અને છેલ્લું પગથિયું સાક્ષાત્કાર છે. કોઇપણ સૂત્ર, મંત્ર કે વિચારના શ્રવણ કરતાં કરતાં એ શ્રવણનો તંતુ સહજ રહે, એનું સાતત્ય ન તૂટે તો શ્રવણ સાર્થક, કથામાતા આપણને એના ખોળામાં ગોદમાં સુવડાવીને પંખો નાંખે છે. ગાંધીજી-સરદાર પટેલનો એક સરસ પ્રસંગ છે. બંને જેલમાં હતા ગાંધીજી રોજ સવારે દસ ખજૂર ખાતા હતાં. સરદારને ચિંતા થઇ કે બાપુ વધારે ખજૂર ખાય તો સારૂ, એનું શરીર કેટલું દૂબળું છે અને દેશની ચિંતા છે. તો સરદારે એવું વિચાર્યુ કે કાલથી હું ખજૂર પંદર મૂકી દઇશ, ગાંધીજીને દસ કે પંદરની ખબર નહીં પડે! બીજે દિવસે પંદર ખજૂર પ્લેટમાં આવતા તરત ગાંધીજી બોલ્યા કે સરદાર, કેમ પંદર-પાંચ ખજૂર વધારે કેમ છે? તો સરદાર બોલ્યા કે બાપુ, દસ-પંદરમાં શું ફેર? તરત ગાંધીજી બોલ્યા-સરદાર તમે આજે મને ગુરૂમંત્ર આપ્યો છે સાચી વાત છે દસ-પંદરમાં શું ફરક પડે! તો કાલથી પાંચ જ ખજૂર આપજો. પાંચ કે દશમાં શું ફરક? આ છે ગાંધીજી બીજા દિવસથી પાંચ-પાંચ ખજૂર જ ખાતા હતા…!!!
મને વિયોગ કરતા વિરક વધારે ગમે છે. વિયોગ તો થોડીક પ્રતિક્ષા કરાવે પણ વિરહ તો મારી નાખે છે. વિયોગમાં માણસ આકુળ થાય છે વિરહમાં વ્યાકુળ થાય છે. વિયોગના આંસુમાં ખારાશ હોય છે, વિરહના આંસુ અમૃત છે. માનસના મોટાભાગના પાત્રો રડે છે. મારી વ્યાસપીઠ તમને સૌને રડતા શીખવે છે રૂદન રડવું એ પરમ ધામ છે. ભાગવદમાં ઉઘ્ધવ આકુળ છે પછી એ વ્યાકુળ થયા છે. માનસમાં રામજી ગંગા પાર કરે છે ત્યારે ત્રણ પાત્રો વ્યાકુળ થયા છે. વિરહી થયા છે એક તો ગંગા પોતે રામજી જતાં વ્યાકુળ થયા છે, બીજા સુમંતજી વ્યાકુળ થયા છે અને ત્રીજા રથના ઘોડા પણ વ્યાકુળ થયા છે. બાપ વિયોગમાં માણસ જીવી જાય પણ વિરહમાં મરી જાય છે. વિભૂ અમૃત છે તો વિભૂતિ પણ અમૃત છે.
માનસમાં પાંચ જલાશ્રય-જળાશય છે. (૧) માનસ સરોવર-માનસ જળાશય (૨) જનકપુરની પુષ્પવાટિકામાં સરોવર (3) પંપા સરોવર, સમુદ્ર સરોવર, સમુદ્ ભલે પોતે અમૃત નથી પણ એમાં અમૃત છે (સમુદ્રમંથન વખતે એમાંથી અમૃત નિકળે છે) (૪) સ્વયંપ્રભાનું સરોવર અને (૫) એક સરોવર શ્રીલંકામાં પણ છે જળના ત્રણ લક્ષણો (૧) શીતલ (૨) મધુર (3) સ્વચ્છ. એ જ રીતે સાધુતા-સાધુના પણ આ ત્રણ લક્ષણો છે. સાધુ શીતલ હોય, મધુર હોય અને ભીતર-બહાર સ્વચ્છ હોય. અમૃત ઉષ્ણ નથી, ઝેર ઉષ્ણ હોય પણ અમૃત શીતલ છે. જળાશય અમૃત છે એમાં ઉગતું કમળ પણ અમૃત છે.
બાલકાંડમાં યજ્ઞ, દાન, તપની ‘તિહાઈ’ (તાલની ભાષામાં) છે તો અયોઘ્યા કાંડમાં પણ સત્ય (રામ-દસરથ) પ્રેમ (ભરત-રામનો) અને કરૂણા (છેવાડાના માણસ સુધી રામ ગયા છે) એમ તિહાઈ છે. માનસ સત્યામૃત, પ્રેમામૃત અને કરૂણામૃત છે.
કથારત્નો
(૧) ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહીં કરે! કોગ બાપુ
(૨) ભજન વધારો તો વજન ધીમે-ધીમે ઘટી જાય!
(3) યોગ અમૃત છે, વિયોગ પણ અમૃત છે.
(૪) ‘આકુળ’ એ વિયોગ છે, ‘વ્યાકુળ’ વિરહ છે.
(૫) એક પરિવારમાં ઘરની કામવાળી બાઈ ટુવાલ ચોરીને ભાગી ગઈ! જે ટુવાલ આ લોકો હિલ્ટન હોટેલમાંથી લાવ્યા હતા! મૃગાંક શાહ (વડોદરા)


