રાજ્યમંત્રી પરસોતમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને વિધાનસભા લડાવવાની રણનીતિ
અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા વહેતી કરાયેલી વાત: પ્રવિણ કોળીના નિવેદનથી રાજકીય વર્તુળમાં ગરમાવો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને હજુ સમય બાકી હોવા છતાં રાજ્યના રાજકારણમાં કેટલીક બેઠકો અને સંભવિત ચહેરાઓને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને રાજ્યના પ્રભાવશાળી કોળી સમાજમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય હલચલ તેજ બની છે. રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિવસ પૂર્વે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ આપેલા નિવેદને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે.
પ્રવીણ કોળીએ જાહેરમાં માંગ કરી છે કે વર્ષ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દિવ્યેશ સોલંકીને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવે અને તેઓ જીત્યા બાદ મંત્રીપદ સુધી પહોંચે. તેમણે દાવો કર્યો કે કોળી સમાજના યુવાનો અને આગેવાનોમાં દિવ્યેશ સોલંકીને લઈને સકારાત્મક લાગણી છે અને સમાજ તેમને રાજકીય નેતૃત્વમાં આગળ વધતા જોવા ઇચ્છે છે.
પ્રવીણ કોળીએ જણાવ્યું કે દિવ્યેશ સોલંકી છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણ અને સમાજસેવા સંબંધિત પ્રવૃત્તિઓમાં સતત સક્રિય રહ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, સમાજના યુવાનોને પ્રોત્સાહન આપવું અને વિવિધ સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવી જેવી કામગીરીને કારણે તેઓ યુવા વર્ગમાં ઓળખ ઉભી કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, વિવિધ જિલ્લાઓની મુલાકાત દરમિયાન લોકોને વારંવાર એક જ પ્રશ્ન હોય છે કે દિવ્યેશ
તેમણે વધુમાં કહ્યું કે પરસોત્તમ સોલંકીના કાર્યને આગળ વધારવાની ક્ષમતા દિવ્યેશ સોલંકીમાં જોવા મળે છે. સમાજના નાના-મોટા પ્રશ્નોથી લઈને શિક્ષણ, સમૂહલગ્ન અને સામાજિક કાર્યક્રમોમાં તેમની સક્રિય હાજરીના કારણે કોળી સમાજમાં તેમની સ્વીકાર્યતા વધી રહી હોવાનું તેમણે જણાવ્યું.
પ્રવીણ કોળીએ દાવો કર્યો કે જો ભાજપ દિવ્યેશ સોલંકીને સૌરાષ્ટ્રની કોઈ કોળી બહુલ બેઠક પરથી ઉમેદવાર બનાવે તો તેમની જીત નિશ્ચિત ગણાય. તેમણે એવો પણ મત વ્યક્ત કર્યો કે ભાજપમાં હાલ કોળી સમાજનો પ્રભાવશાળી યુવા ચહેરો તરીકે દિવ્યેશ સોલંકી સામે આવે છે અને પક્ષે આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઈએ. જોકે, પ્રવીણ કોળીના આ નિવેદનો તેમના વ્યક્તિગત અને સામાજિક અભિપ્રાય તરીકે સામે આવ્યા છે. ભાજપ તરફથી દિવ્યેશ સોલંકીની ઉમેદવારી અથવા 2027ની ચૂંટણી માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઉમેદવારોની પસંદગી અંગેનો અંતિમ નિર્ણય પક્ષનું કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વ યોગ્ય સમયે લેતું હોય છે.


