સિવિલમાં લટકતા વાયર, ભંગાર, તૂટેલા બારી-બારણા, બંધ પંખા તાકીદે હટાવવા કલેકટરનો આદેશ
રાજ્યભરમાં ૧૨,૦૦૦ જેટલી જાહેર આરોગ્ય સંસ્થાઓમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ
આ અભિયાન અંતર્ગત હોસ્પિટલ અને મેડિકલ કેમ્પસના તમામ વિભાગોને સંપૂર્ણપણે સ્વચ્છ અને સુવ્યવસ્થિત કરવાનો લક્ષ્ય : જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
અગ્ર ગુજરાત, રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરની જી.એમ.ઈ.આર.એસ. કોલેજ ખાતેથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો આરંભ કરવામાં આવ્યો છે. રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલ કેમ્પસની નર્સિંગ કોલેજ ખાતેથી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
તા.૧થી ૭ જુલાઈ સુધી ચાલનારા આ અભિયાનનો હેતુ રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવી આરોગ્ય સંભાળ અને ગુણવત્તામાં સુધારો લાવવાનો છે.
આ અવસરે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવવાની અપીલ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને સુંદર અને સ્વચ્છ રાખવા માટે આપણો સૌનો સાથ-સહકાર જરૂરી છે. તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, “સ્વચ્છતા માટે પહેલા મારી શેરી, પછી મારું ગામ અને પછી મારું શહેર”ની ભાવના સાથે આપણે આગળ વધવું પડશે.
આ તકે કલેક્ટરે હોસ્પિટલના તમામ સ્ટાફને પોતાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ ખામીઓ જેવી કે, લટકતા વાયરો, જૂના અને ફાટેલા પોસ્ટરો, ભંગાર કબાટો, તૂટેલી બારી-બારણાં કે કાચ, બંધ પડેલા પંખા અને લાઈટો તેમજ બલ્બ વગેરેને તાત્કાલિક દુરસ્ત કરવા અથવા બદલવા સૂચન કર્યું હતું. આ કામગીરી માટે સંબંધિત વેસ્ટ મેનેજમેન્ટ એજન્સીની મદદ લઈને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગના સાત દિવસીય ‘નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યમાં ૧૨,૦૦૦થી વધુ જગ્યાઓએ પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પી.ડી.યુ. હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. દુસરાએ હોસ્પિટલની કામગીરી અને વિશેષતા વિશે માહિતી આપી હતી. કાર્યક્રમની આભારવિધિ સી.ડી.એચ.ઓ. ડૉ. પરેશ જોશીએ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પી.ડી.યુ. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. મોનાલી માકડીયા, ડીન ડૉ. ભારતીબેન પટેલ સહિતના અધિકારીઓ તેમજ મેડીકલ કોલેજના કર્મયોગીઓ- વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


