જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો વિવાદ વધુ સળગતા તંત્ર એકશનમાં
રેટ કોન્ટ્રાકટનો રીસર્વે કરવા મનપાનો નિર્ણય
ચાલુ કોન્ટ્રાકટ દરમિયાન પણ અન્ય પાર્ટીને નીચા ભાવે કામ કરવા બોલાવાશે, નીચા ભાવ મળશે તો જૂના કોન્ટ્રાકટ રદ કરી જે તે પાર્ટી સાથે ફરી રેટ કોન્ટ્રાકટ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં હાલમાં જંગલેશ્વર ડિમોલેશનનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં લાખોના બિલ મૂકવામાં આવ્યા હતાં. જેમાં બજાર કરતા ઊંચા ભાવ ટેન્ડરમાં નાખવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા રેટ કોન્ટ્રાકટનો રીસર્વે કરવા મનપાએ નિર્ણય કર્યો છે.
રાજકોટનાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન આડેધડ ખર્ચાઓ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં રૂ. 3માં મળતી પાણીની બોટલોની મનપા દ્વારા રૂ. 8નાં ભાવે ખરીદી થઈ હોવાનો પર્દાફાશ થયો હતો. આ ખર્ચ રેઈટ કોન્ટ્રાકટ અંતર્ગત કરાયો હોય તેની સામે સવાલ ઉઠાવ્યા હતા. જેને લઈ આજની સ્ટેન્ડિંગની બેઠકમાં મેયર દ્વારા રેઈટ કોન્ટ્રાકટ અંગે અરજન્ટ દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં આ તમામ કોન્ટ્રાકટનો રિવ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ચાલુ રેઈટ કોન્ટ્રાકટમાં જો કોઈ પાર્ટી નીચા ભાવે કામ કરવા ઈચ્છશે તો જૂનો કોન્ટ્રાકટ રદ્દ કરી નવી પાર્ટી સાથે રેઈટ કોન્ટ્રાકટ કરવામાં આવશે.
મનપાનાં નિયમ મુજબ નવો રેઈટ કોન્ટ્રાકટ થાય નહીં ત્યાં સુધી જૂની પાર્ટી જુના કોન્ટ્રકટ મુજબ વસ્તુ આપે છે. આ કારણે પણ મનપાને વધુ ખર્ચ થતો હોવાનું સામે આવ્યું છે. બિલોમાં પણ જૂની પાર્ટીનો કોન્ટ્રાકટ પૂરો થયો હોવા છતાં તેણે પાણી સપ્લાય કર્યું હોવાનું ખુલ્યું હતું. આવા કિસ્સા માટે પણ જે કોઈ રેઈટ કોન્ટ્રાકટ પુરા થયા છે તેના તાત્કાલિક નવા ટેન્ડર કરવાનો આદેશ પણ આજે પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે. પાણીના બિલો અને રેઈટ કોન્ટ્રાકટની ગોલમાલ થતાં પદાધિકારીઓ દ્વારા આ અતિ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે.
સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાનાં જણાવ્યા મુજબ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મુખ્ય ત્રણ જ દરખાસ્ત હતી. જેમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા રૂ. 27 લાખના ખર્ચની દરખાસ્ત માટે ટેન્ડરની નિયત પ્રક્રિયા કરવામાં આવી નહીં હોવાનું સામે આવતા આ ખર્ચ નામંજૂર કરવામાં આવ્યો છે.
મેયર ડો. નેહલ શુક્લએ આ મામલે જણાવ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા, પુનઃ સમીક્ષા અને તેને રદ કરવા બાબતે મેં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનને એક અનુરોધ કર્યો હતો કે આની પુનઃ સમીક્ષા થવી જોઈએ. જે અન્વયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એવો ઠરાવ કરવામાં આવી રહ્યો છે, જેની માહિતી હાલ મને ચેરમેન દ્વારા આપવામાં આવી છે કે હાલ જે કોઈ પણ રેટ કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં છે તે બધા જ રેટ કોન્ટ્રાક્ટની પુનઃ સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા કર્યા બાદ જેમાં જરૂર જણાય તે તમામમાં રેટ કોન્ટ્રાક્ટ રદ કરીને રીટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વધુમાં ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય અને રેટ કોન્ટ્રાક્ટ વિદ્યમાન હોય, ત્યાં સુધી કોર્પોરેશનની જે તે શાખા દ્વારા તુરંત જ એક સ્પેશિયલ ટેન્ડર પ્રકાશિત કરવામાં આવશે. આ નિર્ધારિત ભાવે જે કોઈ પણ પાર્ટી કે વેન્ડર કોર્પોરેશનને સર્વિસ ઉપલબ્ધ કરાવવા માંગતા હશે અને અરજી કરશે, તે તમામની અરજી સ્વીકારીને તેમને એકનોલેજ કરી એમપેનલ કરવામાં આવશે. આ એમપેનલમેન્ટ થયા બાદ ઉપલબ્ધ ભાવોમાંથી યોગ્ય પસંદગીના આધારે જ સર્વિસ લેવામાં આવશે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, નાના-મોટા કોઈપણ ભાવમાં જો એવું લાગશે કે અહીં વધારે ચૂકવણું થઈ ગયું છે, તો તેમાં કોઈ પણ કાયદાકીય પ્રક્રિયાનો વિચાર કર્યા વિના અમે આ ટેન્ડરને રીટેન્ડર કરવાના છીએ.


