હિરાસર એરપોર્ટ પર DRIનો મોટો પ્રહાર
ગુદા માર્ગમાં છુપાવેલા રૂ.1.72 કરોડના 1.16 કિલો વિદેશી સોના સાથે મુસાફર ઝડપાયો
શારજાહથી આવેલા મુસાફરે સોનાની પેસ્ટ ભરેલી ચાર કેપ્સ્યુલ શરીરમાં સંતાડી હતી; એક્સ-રેમાં ભાંડો ફૂટતાં DRIએ ધરપકડ કરી, રાજકોટ એરપોર્ટ દાણચોરોના રડાર પર હોવાની ચિંતા વધી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોનાની દાણચોરીના વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે ગોઠવાયેલી વોચ દરમિયાન શારજાહથી આવેલા એક ભારતીય મુસાફરને ઝડપી તેની પાસેથી અંદાજે રૂ.1.72 કરોડની કિંમતનું 1.16 કિલોથી વધુ વજનનું વિદેશી સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીએ કસ્ટમ ડ્યૂટીથી બચવા માટે સોનાની પેસ્ટ બનાવી તેને ગુદા માર્ગમાં કેપ્સ્યુલ સ્વરૂપે સંતાડી રાખી હતી.
માહિતી મુજબ, DRI જામનગરને અગાઉથી ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ એરપોર્ટ મારફતે વિદેશી સોનાની હેરાફેરી થવાની છે. તેના આધારે 23 જૂનની મોડી રાત્રે એરપોર્ટના અરાઇવલ વિસ્તારમાં અધિકારીઓએ નજર રાખી હતી. શંકાસ્પદ હિલચાલના આધારે બેંગલુરુના રહેવાસી મોહમદ સામુનને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન સામાન કે શરીરની તલાશીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી. જોકે અધિકારીઓને શંકા જતાં મુસાફરનું મેડિકલ ચેકઅપ અને એક્સ-રે કરાવવામાં આવ્યો હતો. એક્સ-રેમાં શરીરની અંદર શંકાસ્પદ કેપ્સ્યુલ હોવાનું સામે આવતાં મેડિકલ ટીમની મદદથી ચાર કેપ્સ્યુલ બહાર કાઢવામાં આવી હતી. આ કેપ્સ્યુલમાં રહેલી સોનાની પેસ્ટમાંથી 24 કેરેટ (999 પ્યુરિટી)નું કુલ 1,166.14 ગ્રામ વિદેશી સોનું મેળવવામાં આવ્યું હતું, જેની બજાર કિંમત રૂ.1,72,35,549 હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ સમગ્ર જથ્થો જપ્ત કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
આ ઘટનાએ રાજકોટ એરપોર્ટ પર વધતી સોનાની દાણચોરી અંગે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે. છેલ્લા છ મહિનામાં સોના-ચાંદીની હેરાફેરીનો આ ત્રીજો મોટો કેસ સામે આવ્યો છે. આગામી સમયમાં દુબઈ-રાજકોટ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની તૈયારી વચ્ચે દાણચોરો રાજકોટ એરપોર્ટને નવા રૂટ તરીકે ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં DRIની મર્યાદિત ટીમને રાજકોટ એરપોર્ટ ઉપરાંત કચ્છ અને ભાવનગર જેવા સંવેદનશીલ વિસ્તારો પર પણ નજર રાખવાની જવાબદારી હોવાથી તપાસ એજન્સીઓ માટે આ મોટો પડકાર બની રહ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માત્ર કેરિયર તરીકે કામ કરતો હતો કે તે કોઈ મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો ભાગ છે તે અંગે તપાસ ચાલી રહી છે. તેની ટ્રાવેલ હિસ્ટ્રી, કોલ ડિટેલ્સ તેમજ વિદેશમાં સોનું કોના દ્વારા આપવામાં આવ્યું હતું અને ભારતમાં તેનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં DRIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાત અથવા અન્ય રાજ્યના કોઈ મોટા વેપારી કે નેટવર્ક સુધી આ કડી પહોંચે છે કે નહીં તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.


