જાફરાબાદના શિયાળબેટમાં ફિશ લેન્ડિંગ સેન્ટરને કેબિનેટની સૈધ્ધાંતિક મંજૂરી
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની રજૂઆત સફળ : વર્ષો જૂની માંગણી સંતોષાઈ : ૧,૧૦૦ થી વધુ માછીમારોને લાભ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દરિયાની વચ્ચે આવેલ શિયાળબેટ ટાપુના પરના માછીમારો માટે આખરે વિકાસના નવા દ્વાર ખૂલ્યા છે. સ્થાનિક માછીમારો દ્વારા વર્ષોથી કરવામાં આવી રહેલી ફિશ લેન્ડિંગ સેન્ટર (મત્સ્ય ઉતરાણ કેન્દ્ર) ની માંગણીને રાજ્ય સરકાર દ્વારા મોટી સફળતા મળી છે. શિયાળબેટ ખાતે આધુનિક મત્સ્ય ઉતરાણ કેન્દ્ર વિકસાવવાના પ્રસ્તાવને ગુજરાત કેબિનેટ દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટને મંજૂરી અપાવવામાં સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ અને અગ્રણી ચેતનભાઈ શિયાળની સતત રજૂઆતો રંગ લાવી છે. શિયાળબેટના માછીમારોની વર્ષો જૂની વેદનાને ગાંધીનગરના સુધી પહોંચાડીને તેનો સુખદ અંત લાવવા બદલ સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. આ નિર્ણય બદલ સ્થાનિક આગેવાનો અને માછીમાર પરિવારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતની રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શિયાળબેટ ગામમાં હાલ ૧૧૦૦થી વધુ માછીમારો છે. અને આશરે ૧૫૪ જેટલી બોટો માછીમારીના વ્યવસાય સાથે સીધી જોડાયેલી છે. અને અહીં શિયાળબેટ આવવા માટે માત્ર દરિયાઈ જ માર્ગ છે અને બોટ મારફતે ગામમાં પ્રવેશ મેળવી શકાય છે. ચારેય તરફ દરિયાથી ઘેરાયેલા આ ટાપુ પર કોઈ જમીન માર્ગની સુવિધા ન હોવાને કારણે માછીમારોને પકડાયેલી માછલીઓનું ઉતરાણ કરવા, તેનો યોગ્ય સંગ્રહ કરવા અને પરિવહન કરવામાં અત્યાર સુધી ભારે મુશ્કેલી ભોગવવી પડતી હતી. ઘણીવાર સમયસર પરિવહન ન થવાને કારણે માછલીઓ બગડી જતી હતી અને માછીમારોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. જોકે હવે આ કેન્દ્ર મંજૂર થતાં જ માછીમારોની મુશ્કેલીઓ દૂર થવાની આશા બંધાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા આ પ્રસ્તાવ અંતર્ગત શિયાળબેટ ખાતે આધુનિક મત્સ્ય ઉતરાણ કેન્દ્ર તૈયાર કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે પાઇલ જેટી અને રીક્લેમેશનની કામગીરી કરવામાં આવશે. દરિયાઈ મોજાંથી રક્ષણ માટે સ્ટોન બન્ડ બનાવવામાં આવશે. વાહનો અને અવરજવર માટે પેવર બ્લોકનું કનેક્ટિવિટી નેટવર્ક ઊભું કરાશે. સમગ્ર સેન્ટર પર ચોવીસ કલાક વીજળી સહિતની તમામ પાયાની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ આધુનિક ફિશ લેન્ડિંગ સેન્ટર કાર્યરત થવાથી માછલીઓનો બગાડ અટકશે. ઉપરાંત માછીમારોને પોતાની પકડાયેલી માછલીઓની યોગ્ય હરાજી અને વેચાણ માટેની આધુનિક વ્યવસ્થા સ્થાનિક સ્તરે જ મળી રહેશે. જેના કારણે માછીમારોને તેમના માલના પૂરતા ભાવ મળશે અને તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. શિયાળબેટના મત્સ્યઉદ્યોગને આ નિર્ણયથી નવી દિશા મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થશે.
શિયાળબેટના માછીમારો માટે કેબિનેટનો આ નિર્ણય માત્ર એક ફિશ લેન્ડિંગ સેન્ટર મંજૂરી નથી, પરંતુ વર્ષોની મુશ્કેલીઓમાંથી બહાર આવવાની આશાનું નવું કિરણ છે.


