ગુજરાતમાં ૨૦૨૭ના અંતથી દોડશે બૂલેટ ટ્રેન
સુરત-વાપી વચ્ચે થશે સંચાલન : નવી ક્રાંતિનો યુગ થશે શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતને આવતા વર્ષે દેશની પહેલી બુલેટ ટ્રેન મળી જશે. રેલ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક ભાગ કોમર્શિયલ ઓપરેશન્સ માટે 2027માં શરૂ થઈ જશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રૂટની કુલ લંબાઈ 508 કિમી છે. જેનો 348 કિમી ભાગ ગુજરાતમાં, 156 કિમી ભાગ મહારાષ્ટ્રમાં અને 4 કિમી ભાગ દાદરા અને નગર હવેલીમાં હશે.
ભારતીય રેલવેના એડિશનલ ડાયરેક્ટર જનરલ ધર્મેન્દ્ર તિવારીએ AFP સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સમગ્ર કોરિડોર પર મોટાભાગનું કામ પહેલેથી જ પૂરું થઈ ચૂક્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો ભાગ 2027માં સુરત અને વાપી શહેરો વચ્ચે કાર્યરત થઈ જશે. સુરત અને વાપી વચ્ચે અંદાજે 100 કિલોમીટરનું અંતર છે. આ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો સ્ટેજ હશે. ઉલ્લેખનીય છે કે, દેશના પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઘણો સમય લાગ્યો છે અને તે ખર્ચ વધવા તથા વિલંબના કારણે અટકતો રહ્યો છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન રૂટ પર કુલ 12 સ્ટેશન હશે. આ રૂટનું પહેલું સ્ટેશન ગુજરાતનું સાબરમતી હશે અને છેલ્લું સ્ટેશન મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ હશે. ગુજરાતના સાબરમતીથી શરૂ થયા પછી તેનું આગામી સ્ટેશન અમદાવાદ હશે. અમદાવાદથી નીકળીને આ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે અને છેલ્લા સ્ટેશન મુંબઈ પર પહોંચશે. દેશના પહેલા બુલેટ ટ્રેન રૂટ પર ચાલનારી ટ્રેનો 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે અને 508 કિમીની મુસાફરી માત્ર 2 કલાક અને 7 મિનિટમાં પૂરી કરશે.
જાપાનની “શિંકાનસેન” ટેકનોલોજીનો ઉપયોગ કરનારા આ બહુચર્ચિત પ્રોજેક્ટની વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો આબેએ શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટને વર્ષ 2023માં જ પૂરો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જ્યારે 3 વર્ષ પછી એટલે કે 2026માં પણ તેનો એક સેક્શન સંપૂર્ણ રીતે તૈયાર થયો નથી. આથી આ પ્રોજેક્ટને પૂરો થવામાં હજુ બીજા કેટલાય વર્ષો લાગી જશે.


