શ્રી બાલાજી હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે દાદાને ૨૫૧ કિલો ખારેકનો દિવ્ય શણગાર
અગ્ર ગુજરાત, રાજકોટ
લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર કરણસિંહજી હાઈસ્કૂલ સામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજે શનિવારના પાવન દિવસે કષ્ટભંજન દેવનો અદ્ભુત અને મનોહર શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને વિશેષ રૂપે ૨૫૧ કિલો પવિત્ર અને ઉત્કૃષ્ટ ગુણવત્તાયુક્ત ખારેક (સુકા મેવા) નો દિવ્ય અન્નકૂટ તેમજ કલાત્મક શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. સોનેરી સિંહાસનમાં બિરાજમાન દાદાનું આ નયનરમ્ય સ્વરૂપ જોઈને વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા અને સમગ્ર મંદિર પરિસર મારુતિ નંદનના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ વિશેષ અને મંગલમય શણગારનું આયોજન મંદિરના આયોજક મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી તેમજ કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નિશ્રા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.


