ધાબા પરથી કોમન પ્લોટમાં પટકાતા 39 વર્ષીય યુવાનનું કરુણ મોત
બંસીધર પાર્કમાં એકલવાયું જીવન જીવતા અપરિણીત યુવકને ચક્કર આવતાં સર્જાઈ દુર્ઘટના ; અન્ય બનાવોમાં વિજય અઘેરા અને નરેશ મકવાણાના પણ મોત
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના બંસીધર પાર્ક વિસ્તારમાં શનિવારે એક દુઃખદ અકસ્માતમાં 39 વર્ષીય મનદીપભાઈ જગદીશભાઈ દવેનું મોત નીપજ્યું હતું. ઘરે ધાબા પર એકલા હાજર હતા ત્યારે અચાનક ચક્કર આવતાં તેઓ મકાનની પાછળ આવેલા કોમન પ્લોટમાં પટકાયા હતા. ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થતાં પરિવારમાં તેમજ આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, બંસીધર પાર્ક-2 ખાતે પરશુરામ મારબલ નજીક રહેતા મનદીપભાઈ બપોરના સમયે પોતાના મકાનના ધાબા પર હતા. આ દરમિયાન અચાનક ચક્કર આવતાં તેઓ ધાબા પરથી નીચે કોમન પ્લોટમાં પટકાયા હતા. ઘટનામાં તેમના માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં પાડોશીઓ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગિરીરાજસિંહ ઝાલાએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મનદીપભાઈ બે ભાઈમાં મોટા હતા, અપરિણીત હતા અને એકલવાયું જીવન જીવતા હોવાનું જાણવા મળ્યું છે.
બે અન્ય બનાવોમાં પણ બે વ્યક્તિના મોત
શહેરના પાંજરાપોળ શેરી નં. 4 વિસ્તારમાં રહેતા વિજયભાઈ વાઘજીભાઈ અઘેરા (ઉ.વ.45) સવારે પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. વિજયભાઈ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં ચાર દીકરી અને એક દીકરો છે. સગાઓના જણાવ્યા મુજબ તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા નરેશભાઈ છગનભાઈ મકવાણા (ઉ.વ.44) રાત્રિના સમયે ઘરે જ બીમારીને કારણે બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું પણ મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
ત્રણે બનાવોમાં મૃત્યુના બનાવોને પગલે સંબંધિત પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.


