રાજયમાં કોઇપણ ભોગે ગુનાખોરી ડામો, નાયબ મુખ્યમંત્રીનો પોલીસને નિર્દેશ
ગાંધીનગર ઉચ્ચ IPS અધિકારીઓ સાથે રાતભર ચાલેલી મેરોથોન બેઠક : કાયદા વ્યવસ્થામાં બાંધછોડ નહી કરવા આદેશ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને ગુનેગારોમાં ખાખીનો ખોફ પેદા કરવા માટે રાજ્ય સરકાર સદંતર એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં સોમવારે મોડી રાત્રે એક અત્યંત મહત્વની ‘મેગા બેઠક’ યોજાઈ હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી આ મેરેથોન બેઠક મધરાતથી શરૂ થઈને છેક વહેલી સવાર સુધી ચાલી હતી, જે દર્શાવે છે કે સરકાર રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલી ગંભીર છે.
બેઠકમાં ગૃહ મંત્રીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કડક વલણ અપનાવતા હાજર રહેલા તમામ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, “રાજ્યમાં શાંતિ અને સુરક્ષાના માહોલ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે.” ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ કરવા માટે ખાખીને સંપૂર્ણ સ્વાયત્તતા અને કડક આદેશો આપી દેવામાં આવ્યા છે.
આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં ગૃહ વિભાગ અને પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં 20થી વધુ ઉચ્ચ IPS અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓ ઉપરાંત ગૃહ વિભાગના ઉચ્ચ સચિવો અને અધિકારીઓ પણ આ મંથનમાં જોડાયા હતા. બેઠક દરમિયાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ, ગુનાખોરી ડામવાના ઉપાયો, વહીવટી સુધારાઓ અને આગામી એક્શન પ્લાન સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
રૂટિન સમીક્ષા મીટીંગ હતી : ડે.સીએમ
ગત રાત્રે યોજાયેલી આ મેરેથોન બેઠક અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બેઠક મુખ્યત્વે વહીવટી બાબતોને લઈને યોજવામાં આવી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગ દ્વારા સમયાંતરે વહીવટી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવતું હોય છે. ગત રાત્રિની બેઠક પણ તેનો જ એક ભાગ હતી, જેમાં રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અંગે ચર્ચા થઈ છે.


