પત્નીની હત્યા અને સાસુ પર જીવલેણ હુમલો: 8 વર્ષ જૂના કેસમાં આરોપીને આજીવન કેદ
રાજકોટ સેશન્સ કોર્ટે હત્યા અને હત્યાના પ્રયાસમાં દોષિત ઠેરવ્યો; વૈજ્ઞાનિક પુરાવા અને સરકારી પક્ષની દલીલો નિર્ણાયક બની
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની સેશન્સ કોર્ટે વર્ષ 2018માં બનેલા પત્નીની હત્યા અને સાસુ પર જીવલેણ હુમલાના ચકચારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અધિક સેશન્સ જજ એ.કે. શાહે આરોપી પ્રકાશ દીપકભાઈ પરમારને પત્નીની હત્યા તથા સાસુની હત્યાના પ્રયાસના ગુનામાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ કુલ રૂ. 15 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કેસની વિગતો મુજબ, 23 જૂન, 2018ના રોજ પ્રકાશ પરમાર પોતાની પત્ની નમ્રતાબેનને રીસામણેથી પરત ઘરે લઈ જવા માટે સાસરીએ પહોંચ્યો હતો. નમ્રતાબેન પતિના દારૂના વ્યસન અને વારંવાર થતી મારઝૂડથી કંટાળી માતા મીનાબેનના ઘરે રહેતા હતા અને તેઓ પાછા જવા તૈયાર નહોતા. આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતાં આરોપીએ ગુસ્સામાં છરી કાઢી પત્ની પર આડેધડ હુમલો કર્યો હતો. પોતાની દીકરીને બચાવવા વચ્ચે પડેલા મીનાબેન પર પણ આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બનેલી બંને મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં નમ્રતાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે મીનાબેન લાંબી સારવાર બાદ બચી ગયા હતા.
પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં હતો. ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે સાક્ષીઓના નિવેદનોમાં વિસંગતતા અને આરોપીના કપડાં પરથી લોહીના ડાઘ ન મળ્યાનો મુદ્દો ઉઠાવી નિર્દોષ છોડવાની માંગ કરી હતી.
જોકે, જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાએ દલીલ કરી હતી કે આરોપી ઘટનાસ્થળે હાજર ન હતો તેવો કોઈ પુરાવો બચાવ પક્ષ રજૂ કરી શક્યો નથી. વધુમાં, બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને બીજા દિવસે ઝડપાયો હતો, જેથી કપડાં પરથી લોહીના ડાઘ દૂર કરવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સરકારી પક્ષે એ પણ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીના જણાવ્યા મુજબ જે છરી મળી આવી હતી, તેના ફોરેન્સિક પરીક્ષણમાં મૃતક નમ્રતાબેનનું લોહી મળી આવ્યું હતું. આ વૈજ્ઞાનિક પુરાવો કેસમાં સૌથી મહત્વનો સાબિત થયો હતો.
બંને પક્ષોની દલીલો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે કોર્ટે પ્રકાશ પરમારને પત્નીની હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂ. 10 હજાર દંડ તેમજ સાસુની હત્યાના પ્રયાસ બદલ પાંચ વર્ષની સખ્ત કેદ અને રૂ. 5 હજાર દંડની સજા ફટકારી છે. બંને સજાઓ અંગે કોર્ટે કાયદાકીય જોગવાઈઓ મુજબ આદેશ કર્યો છે.


