સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી
નાના બાળકોએ નૃત્ય અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા સંતોએ ભાવ પૂજન કર્યું
અગ્ર ગુજરાત, સુરત
ગુરુકુલ અને તેના સંતો સદા સ્વાર્થ પૂર્તિ કે સ્વાર્થ પુષ્ટિ માટે નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિની પુષ્ટિ માટે કાર્યરત રહે છે એમ દેવકૃષ્ણદાસજી સ્વામીએ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંબોધતા કહેલું.
વધુમાં તેઓએ કહેલું કે બાળપણમાં વિદ્યા મેળવવી, યુવાવસ્થામાં ધન મેળવવું, પરંતુ એ ધન કોઈની આંતરડી દુઃખવીને અન્યાય કે અનીતિ ન મેળવવું. જલ્દી ધનવાન બનવા માટે ફ્રોડ કરતા ન શીખવું કે તેમાં ન ફસાવું.
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની દેશ વિદેશની 67 શાખાઓના અધ્યક્ષ દેવકૃષ્ણદાસજી સ્વામી સુરત ગુરુકુલમાં પધારતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સ્વામીજીનું સ્વાગત કરેલું હતું. રાત્રિના સમયે ગુરુકુલના પરિસરમાં યોજાયેલ સ્વાગત પૂજન સમારોહમાં શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ઠાકોરજીનું પૂજન અર્ચન કર્યુ હતું.
મહંત ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, શ્વેત સ્વામી, ભક્તિતનય સ્વામી વગેરે સંતો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ લાલજીભાઈ પટેલ, ધીરુભાઈ કોટડીયા, લાલજીભાઈ તોરી, શિવલાલભાઈ પાંભર વગેરેએ હાર પહેરાવી તથા નાના બાળકોએ સ્વાગત નૃત્ય દ્વારા સ્વામીજીનું સ્વાગત પૂજન કર્યુ હતું. આ પ્રસંગે પુરાણી અક્ષરપ્રિયદાસજી સ્વામી, પ્રભુ સ્વામી તેમજ મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.
સમારોહના અંતમાં ગુરુકુલના 80 બાળ અને યુવા કલાકારો દ્વારા પ્રસ્તુત ‘રમે રાસ પિયા ઘનશ્યામ આલ્બમનું વિમોચન મહંત સ્વામી શ્રી ધર્મ વલ્લભદાસજીએ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે કરાવ્યું. 200 વર્ષ પહેલા નંદ સંતો રચિત 33 મનમોહક રાસ-નૃત્યો સભર એક કલાકના આ આલ્બમને તૈયાર કરનાર શ્રી વિશ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી વિવેક સ્વામીને સ્વામીજીએ આશીર્વાદ પાઠવ્યા હતાં.


