શાળા નં.૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરી
વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દેશપ્રેમ પ્રગટ કર્યો
અગ્ર ગુજરાત, સુરત
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. ૨૭૨, નાના વરાછાના આચાર્ય મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ચોકલેટ કે અન્ય ભેટવસ્તુઓ લાવવાને બદલે શહીદાંજલિ માટે યથાશક્તિ આર્થિક યોગદાન આપે છે. વિદ્યાર્થીઓના આ સ્વૈચ્છિક યોગદાનથી એકત્રિત થયેલી રકમ દર વર્ષે જય જવાન નાગરિક સમિતિ, સુરતને અર્પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તેવા ઉમદા હેતુથી શાળાપરિવાર દ્વારા આ પ્રેરણાદાયી પહેલ વર્ષોથી કરવામાં આવી રહી છે, જેમાં વાલીઓનો પણ સતત ઉત્સાહભર્યો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ વર્ષે મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. ૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ની રકમ એકત્ર કરી હતી. આ રકમ જય જવાન નાગરિક સમિતિના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈ.એમ. ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ વાઘાણી, શાળાના શિક્ષકો કનુભાઈ બેલડિયા, રાજેશકુમાર ધામેલિયા, સંગીતાબહેન પટેલ તેમજ વિદ્યાર્થીઓ ટાંક દેવાંશુ, ખૂંટ હર્પલ, ડોબરિયા તત્ત્વ અને સભાડિયા યજ્ઞ ઉપસ્થિત રહ્યાં હતાં.
મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. ૨૭૨ અને ઈશ્વર પેટલીકર કન્યા શાળા ક્ર. ૧૬ પરિવાર દ્વારા દર વર્ષે શહીદ પરિવારોનું ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવે છે, જેનું સંકલન જય જવાન નાગરિક સમિતિ – સુરત દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે વીર જવાન પ્રવીણ પ્રભાકર જંજાલ (ગામ : મોરગન, જિ. અકોલા રાજ્ય : મહારાષ્ટ્ર)ના પરિવારનું તા. 25-07-2026ના રોજ શાળાપરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવશે.


