સુરતમાં HIV /એઈડ્સ જાગૃતિ માટે ‘ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન’નો પ્રારંભ
‘જાણકારી જ બચાવ છે’ના સંદેશ સાથે યોજાઈ ભવ્ય જાગૃતિ રેલી: ૧૨ ઓક્ટોબર સુધી યુવાનો અને વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમોથી કરાશે જાગૃત
અગ્ર ગુજરાત, સુરત
સુરત જિલ્લામાં એચ.આઈ.વી./એઈડ્સ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી ‘ઇન્ટેન્સિફાઇડ આઈ.આઈ.સી. (IEC) કેમ્પેઇન’નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (અમદાવાદ)ના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, દિશા ડાપકુ ટીમ અને સ્થાનિક કોલેજોના સંયુક્ત ઉપક્રમે આ અભિયાનનો પ્રારંભ થયો છે. આ વિશેષ જાગૃતિ ઝુંબેશ આગામી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે.
કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણવિદોની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. જેમાં સુરતના ઇન્ચાર્જ વિભાગીય નાયબ નિયામક અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ, જિલ્લા ટી.બી.-એચ.આઈ.વી. ઓફિસર ડો. દિનેશ વસાવા, મહાનગરપાલિકાના ટી.બી.-એચ.આઈ.વી. ઓફિસર ડો. ભાવિન પટેલ, એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ મુકેશભાઈ પટેલ, પી.ટી. સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ પૃથ્વિક દેસાઈ, કે.પી. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી સીમા દેસાઈ તેમજ ડાપકુ ટીમ, એન.સી.સી. અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
મહાનુભાવોએ વિદ્યાર્થીઓને એચ.આઈ.વી. અંગેની સાચી માહિતી, સમયસર તપાસ, સારવાર અને રોગથી પીડાતા લોકો પ્રત્યેનો સામાજિક ભેદભાવ દૂર કરવા પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું. “Break Free India” અભિયાન હેઠળ યુવાનોને ગેરસમજ અને અફવાઓથી દૂર રહી અધિકૃત માહિતી મેળવવા પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમ સ્થળે પ્રદર્શિત QR કોડ સ્કેન કરીને ડિજિટલ માધ્યમથી માહિતી મેળવવાની પદ્ધતિ સમજાવવામાં આવી હતી તથા કોઈ પણ પ્રશ્ન કે માર્ગદર્શન માટે ૧૦૯૭ ટોલ-ફ્રી હેલ્પલાઇનનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો.
ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી દરમિયાન એન.સી.સી. અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ હાથમાં સૂત્રોચ્ચાર અને જાગૃતિ દર્શાવતા પ્લેકાર્ડ્સ સાથે ‘જાણકારી જ બચાવ છે’ અને ‘HIV સામે ડર નહીં, જાગૃતિ જરૂરી’ જેવા સંદેશાઓ જન-જન સુધી પહોંચાડ્યા હતા.


