સુરત અમલસાડી અને ભુવાસણ આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ માટે ‘માનસપરિવર્તન’ પરિસંવાદ યોજાયા
“ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ વિચારો દ્વારા જ સર્વાંગી ઘડતર શક્ય છે : બાળ કેળવણીકાર રાજેશ ધામેલિયા
અગ્ર ગુજરાત, સુરત
ઉત્તમ રાષ્ટ્રના નિર્માણ માટે શ્રેષ્ઠ શિક્ષણ અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક માળખું અત્યંત જરૂરી છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ‘માતુ શ્રી કાશીબા ગોટી ટ્રસ્ટ’ દ્વારા ભારતનાં ૧૮ રાજ્યોમાં શાળાભવનોનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ ગોટીના ૩૫૧ ભવનોનાં નિર્માણના સંકલ્પમાંથી અત્યાર સુધીમાં ૨૬૦ ભવનોનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને ચાલીસ જેટલાં ભવનોનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે. શાળાનાં ભવનોની સાથે સાથે વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર થાય અને તેમને ઉત્તમ વિચારો મળે તે હેતુથી ‘વૈચારિક ક્રાંતિ દ્વારા માનસપરિવર્તન’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તાજેતરમાં સુરત જિલ્લાની નરહરિ પરીખ આશ્રમશાળા – અમલસાડી અને આશ્રમશાળા – ભુવાસણ ખાતે ‘માનસપરિવર્તન’ પરિસંવાદનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા બાળ કેળવણીકાર રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, “જીવનની સફળતા અને નિષ્ફળતામાં વિચારોનું આત્યંતિક મહત્ત્વ રહેલું છે. શક્તિદાયી અને ઉત્તમ વિચારો થકી જીવનમાં આવતી મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરી શકાય છે. જો વિદ્યાર્થી અવસ્થાથી જ આપણા જીવનનું લક્ષ્ય નક્કી હોય અને તે હાંસલ કરવા માટે આયોજનપૂર્વક મહેનત કરવામાં આવે તો સફળતા નિશ્ચિત મેળવી શકાય છે. ક્યારેક ખૂબ મહેનત કરવા છતાં પણ ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થાય તો નાસીપાસ થયા વગર આત્મવિશ્વાસથી ગૌરવભેર જીવન જીવવું જોઈએ.”
સંવાદ સ્વરૂપે યોજાયેલા બંને સેમિનારમાં પ્રશ્નોત્તરીમાં ઉત્સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બંને શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈઓ-બહેનો, અંકિતભાઈ કાલરિયા, રાજેશભાઈ ધોરાજિયા તેમજ અંકિતભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


