નાના વરાછાની પ્રાથમિક શાળાઓમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ
અગ્ર ગુજરાત, સુરત
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા. શા. ક્ર. ૨૭૨ અને ઈશ્વર પેટલીકર શા. ક્ર. ૧૬ (નાના વરાછા) ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના સિનિયર શિક્ષક હસમુખભાઈ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આચાર્ય મિતેશભાઈ પ્રજાપતિએ સૌનું સ્વાગત કરી પ્રેરણાદાયી વીડિયો સાથે પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું. મહેમાનોનું પુસ્તક અર્પણ કરીને બહુમાન કરાયું હતું. બંને શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી મંત્રમુગ્ધ કર્યા હતા. સંગીત શિક્ષક દિલીપભાઈ વડિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બાળકલાકારોને બાબુભાઈ વિરડિયા, શિક્ષકો અને વાલીઓ દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. બાબુભાઈ વિરડિયા અને વિદ્યાર્થિની વઘાસિયા કૃશાલીએ સ્વાતંત્ર્ય દિનનું મહત્ત્વ સમજાવ્યું હતું. આચાર્યા વૈશાલીબહેન સુતરિયાએ આભારવિધિ કરી હતી. જ્યારે કાર્યક્રમનું સંચાલન શિક્ષક રાજેશકુમાર ધામેલિયાએ કર્યું હતું. આ પ્રસંગે આસપાસની અન્ય શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ, ભૂતપૂર્વ અને હાલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


