સોમનાથથી નિયમિત હરીદ્વારની ટ્રેન શરૂ કરવા માંગ
રેલ્વે સ્ટેશનની કામગીરીની સમીક્ષા અર્થે આવેલ GM સમક્ષ પ્રશ્નો ઉકેલવા માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
વેસ્ટર્ન રેલ્વેના જીએમ રામાશ્રય પાંડે વેરાવળ અને સોમનાથ રેલવે સ્ટેશનના રીનોવેશન અને નવું બનાવવાની ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરવા અર્થે આવ્યા હતા.આ તકે ભાવનગર ડિવિઝનના ડીઆરએમ દિનેશકુમાર વર્મા, ડીસીએમ સહિતના અધિકારીઓ તેમજ સ્ટેશન માસ્તર એલ.એમ મહાપાત્રા આવકાર્યા હતા. પ્રથમ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરી વેરાવળ રેલ્વે સ્ટેશનની મુલાકાતે પહોંચેલ સ્ટેશન યાત્રી કમીટીના અનિસ રાચ્છ, મુકેશભાઈ ચોલેરા, લાલચંદભાઈ પરશુરામ, ગજેન્દ્રભાઈ અપારનાથીએ જીએમને મહાદેવનું સ્મૃતિચીન અર્પણ કરી વેરાવળ તેમજ સોમનાથ સ્ટેશન સંબંધિત પ્રશ્નોની લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.
જેમાં મુખ્ય સોમનાથ રેલવે સ્ટેશન વહેલી તકે શરૂ કરવા, વેરાવળ રેલવે સ્ટેશન પર 2 નંબરના પ્લેટફોર્મ પર એકસીલેટર સીડી અથવા લિફ્ટ મુકવા, સ્ટેશનની બહાર જવા માટે ફલાય ઓવર પાસે નવો રસ્તો બનાવવા, વેરાવળથી હરિદ્વાર સુધીની એક મહિના માટે શરૂ કરાયેલ ટ્રેનને કાયમી માટે દોડાવવા રજુઆત કરી હતી. આ ટ્રેનના સમર્થનમાં સ્થાનીક જુદા જુદા એસોસીએશનો, સામાજીક સંસ્થાઓના માંગણી કરતી રજુઆતના પત્રો પણ આપ્યા હતા. આ માંગણી સંદર્ભે જીએમ પાંડેએ નોટ કરીને ઝડપી કાર્યવાહી કરવા સુચના આપી હતી.
અત્યારથી આયોજન કરી માળખાકીય સુવિધાઓ વધારવી જરૂરી
અત્રે ઉલખનીય છે કે, જગવિખ્યાત સોમનાથ સાનિધ્યમાં આધુનિક સુવિધા સભર નવું રેલ્વે સ્ટેશન બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. તેને ધ્યાને રાખીને અત્યારથી જ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે વધુ ટ્રેન ઉભી રાખી શકાય તેવી અને સોમનાથ સ્ટેશન શરૂ થાય તે સમયે અત્રેથી લાંબા અંતરની વધુ ટ્રેનો શરૂ કરવા માટે જરૂરી માળખાકીય સુવિધા વધારવા આયોજન કરવું જરૂરી છે. આ સુવિધાઓ વધારવા અત્રે રેલવે સ્ટેશન આસપાસની પડતર જગ્યાઓનો ઉપયોગ કરવા કમીટીએ સુચન સાથે રજુઆત કરી હતી.


