ચોમાસાના દોઢ મહિના બાદ પણ આકાશી પાણી માટે તરસતા લોકો
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ: દુષ્કાળ જેવી સ્થિતી
રાજકોટ સહિત ૧૨ જિલ્લામાં વરસાદની ખાદ્ય, કચ્છ ઝોનમાં સૌથી ઓછો ૨૯ ટકા જ વરસાદ: ૭૨ ડેમમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ: દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછી ઘટ: વાવેતરને માઠી અસર
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થયાને 40 દિવસ વિતી ચૂક્યા છે તેમ છતાં 12 જિલ્લા એવા છે કે, જ્યાં આજની તારીખે વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 96 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે કચ્છ ઝોનમાં સૌથી ઓછો 29 ટકા જ વરસાદ વરસ્યો છે. 12 જિલ્લાઓમાં સરેરાશ કરતા ઓછા વરસાદના કારણે પીવાના પાણી અને વાવેતર પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. 207 ડેમમાંથી 72 ડેમ એવા છે કે જેમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.
ગુજરાતમાં આ વર્ષે 9 દિવસ મોડું 24 જૂને ચોમાસું બેસ્યું. 5 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 25 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ઓગસ્ટ મહિનાના પ્રારંભ બાદ પણ 12 જિલ્લામાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે. દેવભૂમિ દ્વારકા સૌથી ઓછી ઘટ છે. અહીં ફક્ત 56 મિમી જ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે અહીંના ડેમમાં પણ નોંધપાત્ર જળસંગ્રહ થયો છે. પરંતુ, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ વર્તાઈ રહી હોય ડેમમાં પણ જળસંગ્રહ ઓછો થયો છે. રાજ્યના ઝોનવાઈઝ, મુખ્ય ડેમ અને સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતા ડેમની સ્થિતિ ગ્રાફિક્સની મદદથી જાણીએ.
રાજયમાં 207 ડેમમાંથી અત્યાર સુધીમાં 26 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. 72 ડેમ એવા છે કે જેમાં 25 ટકા કરતા ઓછો જળસંગ્રહ છે. જો કે, સૌથી મોટી રાહતની વાત એ છે કે, રાજ્યની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં 79.20 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.
હવામાન વિભાગનું માનીએ તો રાજયમાં આગામી 7 દિવસ ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 12 જિલ્લાઓમાં જ્યાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે ત્યાં વાવેતરને માઠી અસર પડી શકે છે.
ચોમાસાના 43 દિવસ બાદ પણ 21 ટકા વિસ્તારમાં વાવેતર બાકી
ચોમાસાના 43 દિવસ વિતી ગયા બાદ પણ રાજ્યમાં હજી 21 ટકા વિસ્તારમાં વાવેતર થઈ શક્યું નથી. રાજ્યમાં સરેરાશ વાવેતર લાયક વિસ્તાર 85.30 લાખ વિસ્તાર છે. 5 ઓગસ્ટ સુધીમાં 67.47 લાખ હેકટરમાં જ વાવેતર થઈ શક્યું છે. 12 જિલ્લાઓમાં હજી પણ વરસાદની ઘટ હોય અનેક વિસ્તારમાં વાવણી થઈ શકી નથી.
બે વેધર સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં ચોમાસું તેના મધ્ય તબક્કામાં છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. જોકે, હવે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં મુશળધાર વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. બે સક્રિય વેધર સિસ્ટમ્સના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.


