રાજુલામાં પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ભવ્ય તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો
‘હર ઘર તિરંગા, હર ઘર ગૌરવ’ અંતર્ગત માર્કેટિંગ યાર્ડ પાસે તિરંગા મેળવવા લોકોની ભારે ભીડ ઉમટી,
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો એક અનોખો માહોલ જોવા મળ્યો હતો. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઇ ડેર દ્વારા સમગ્ર પંથકમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે એક ભવ્ય તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા વિતરણ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડની સામે યોજાયો હતો. ‘હર ઘર તિરંગા, હર ઘર ગૌરવ’ અભિયાન અંતર્ગત યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘર આંગણે લહેરાવવા માટે તિરંગો મેળવવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર અને તેમના મિત્રમંડળ ગ્રુપના સભ્યો અમિતભાઇ રવૈયા, ધર્મેશભાઇ બારૈયા, રસુલભાઇ કુરેશી, જયેશભાઇ દવે, વીરાભાઇ વાણીયા, ટપુભાઇ રામ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંબરીષભાઇ ડેરના આ અનોખા અને પ્રેરણાદાયી આયોજનના કારણે રાજુલા અને આજુબાજુના વિસ્તારમાં દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના વધુ મજબૂત બની છે. સમગ્ર શહેરમાં આ ભવ્ય આયોજનની પ્રશંસા કરવામાં આવી રહી છે.


