પાણીના નિકાલમાં ઘાસ નાખતા અટકાવતાં ખેડૂતને પિતા-પુત્રની ધમકી
રાણપરડામાં વાડીની ગટરમાં ઘાસ નાખવાનો મામલો ઉગ્ર બન્યો : પાઇપ કાઢી, ફરી મજૂરોને કંઇ કહ્યું તો મારી નાખીશું, કહી ધમકી
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણ તાલુકાના રાણપરડા ગામની સીમમાં વાડીના પાણીના નિકાલની જગ્યાએ ઘાસનો જથ્થો ઠાલવવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘાસ નાખવાની ના પાડનાર ખેડૂતને પિતા-પુત્રએ ગાળો આપી જાનથી મારી નાખવાની તેમજ ગામમાંથી હાંકી કાઢવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જસદણ પોલીસે બંને શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાણપરડા ગામે પંચાયત ચોક પાસે રહેતા 34 વર્ષીય જયદેવભાઇ બટુકભાઇ ગોસાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રાણપરડા ગામની સીમમાં તેમની અંદાજે 40 વિઘા જમીન આવેલી છે. તેમની જમીનની બાજુમાં તેમના મોટા બાપુના પુત્ર અક્ષયભાઇ ગોસાઇની 30 વિઘા જમીન આવેલી છે. બંને જમીન સોલાર પ્રોજેક્ટ માટે લાંબા ગાળાના ભાડા કરારથી આપવામાં આવી છે અને ફરિયાદી સોલાર કંપનીમાં નોકરી પણ કરે છે.
આ દરમિયાન તા.8ના રોજ સાંજના સમયે ફરિયાદી વાડી વિસ્તારમાં ફરજ પર હતા ત્યારે પાણીના નિકાલ માટે રાખવામાં આવેલી ગટર પાસે મીની ટ્રેક્ટર મારફતે ઘાસ ઠાલવવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તપાસ કરતાં મજૂરો ઘાસ ઉતારી રહ્યા હતા. ફરિયાદીએ આ અંગે પૂછપરછ કરતાં મજૂરોએ જીલુ વાસા વાળાએ ઘાસ નાખવા માટે મોકલ્યા હોવાનું જણાવ્યું હતું.
વાડીના પાણીના નિકાલની જગ્યા હોવાનું જણાવી ઘાસ નાખવાથી પાણીનો રસ્તો બંધ થઇ જશે તેમ કહી ફરિયાદીએ મજૂરોને ઘાસ પરત ટ્રેક્ટરમાં ભરવા જણાવ્યું હતું. જેથી મજૂરો ઘાસ પરત ભરીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. બીજા દિવસે રાત્રિના સમયે જીલુ વાળા ફરિયાદીના ઘર પાસે પહોંચ્યો હતો અને મજૂરોને કેમ રોક્યા તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી હતી. બાદમાં બંને પક્ષો ગામની પંચાયત કચેરી પાસે પહોંચ્યા હતા. ત્યાં જીલુ વાળા અને તેનો પુત્ર યુવરાજ વાળા હાજર હતા. મજૂરોને કેમ રોક્યા તે મુદ્દે ફરી બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. ફરિયાદ મુજબ, જીલુ વાળાએ ધમકીભર્યા સ્વરમાં મજૂરોને ફરી કંઇ કહેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તેણે બાઇકમાંથી પાઇપ કાઢી હાથમાં પકડી લીધો હતો અને ‘હવે મારા મજૂરોને કંઈ કહ્યું તો મારી નાખવામાં વાર નહીં લાગે’ તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં, ફરી મજૂરોને કંઇ કહેવામાં આવશે તો જીવતા નહીં રહો અને ગામમાંથી હાંકી કાઢીશું તેવી ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ સમગ્ર બનાવને પગલે ફરિયાદીએ જસદણ પોલીસ મથકમાં જીલુ વાસા વાળા અને તેના પુત્ર યુવરાજ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ઘટનાની તપાસ શરૂ કરી છે.


