સુરત ડિમોલેશન પ્રકરણમાં મનપા સામે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ
જવાબદાર અધિકારીઓની ભૂમિકાનો રિપોર્ટ તા.૧૮ સપ્ટેમ્બર સુધીમાં આપવા આદેશ
અગ્ર ગુજરાત, સુરત
સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન સુરત મહાનગરપાલિકા (SMC) અને પોલીસ તંત્ર સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવતા અધિકારીઓને ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટની ટિપ્પણીઓ બાદ સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે જો ડિમોલિશન કાર્યવાહીથી લોકોના મકાનોને નુકસાન થયું હોય તો તેની કિંમત SMC ના જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલ કરો.
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન સવાલ કર્યો કે SMC કમિશ્નર અને DCP નકુમ હજુ પણ હોદા પર કેમ છે? કોર્ટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ટિપ્પણીથી વહીવટી તંત્ર પર દબાણ વધ્યું હોવાનું માનવામાં આવે છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન રજૂઆતો સાંભળ્યા બાદ હાઈકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું કે જો કોઈ પક્ષને સુપ્રીમ કોર્ટમાં જવું હોય તો તે જઈ શકે છે. તપાસ કમિટી 18 સપ્ટેમ્બર સુધી રિપોર્ટ આપશે.
હાઈકોર્ટે ડિમોલિશન પ્રક્રિયામાં થયેલી ભૂલો અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા તપાસવા માટે રચાયેલી તપાસ કમિટીને 18 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હવે આ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી અને જવાબદારી નક્કી થવાની શક્યતા છે. નસીરનગર ડિમોલિશન મામલો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મહત્વપૂર્ણ વહીવટી અને કાનૂની મુદ્દા તરીકે જોવામાં આવી રહ્યો છે.


