રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ ના નવા શૈક્ષણિક અભ્યાસક્રમોનો આરંભ
દીક્ષા, હવન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીમાં ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ના નવા શૈક્ષણિક અભ્યાસક્રમનો પ્રારંભ થયો છે. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’માં શાસ્ત્રી અને આચાર્ય પદવી માટેના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના શૈક્ષણિક અભ્યાસક્રમોના ઉદ્ઘાટન સાથે યુનિવર્સિટીના દર્શન વિભાગે એક ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે.
ઉદ્ઘાટન પૂર્વે યુનિવર્સિટી પરિસરમાં સંતો-ભક્તો સાથે અક્ષરપુરુષોત્તમ મહારાજની શોભાયાત્રા યોજાઈ હતી. દર્શન વિભાગ દ્વારા યોજાયેલા આ સમારંભનો પ્રારંભ વૈદિક શાંતિ પ્રાર્થનાથી થયો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગુલ્લાપલ્લિ એસ.આર. કૃષ્ણમૂર્તિ અને અન્ય વિદ્વાનોએ મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીનું અભિવાદન કર્યું હતું. પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ પણ આ સૌ આમંત્રિત વિદ્વાનોનું પુષ્પહાર અને શાલ દ્વારા સન્માન કર્યું હતું. કુલપતિ પ્રો. ગુલ્લાપલ્લિ એસ.આર. કૃષ્ણમૂર્તિ તથા દર્શન વિભાગના અધ્યક્ષ પ્રો. કે. ગણપતિ ભટ્ટે પ્રાસંગિક વક્તવ્યો દ્વારા અક્ષર-પુરુષોત્તમ દર્શન, પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી અને વિવિધ ક્ષેત્રોમાં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા થઈ રહેલાં સેવાકાર્યોને બિરદાવ્યાં હતાં.
યુનિવર્સિટી પરિસરમાં સ્થાપિત ‘અક્ષરપુરુષોત્તમ દર્શન મંડપમ્’ને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ અભ્યાસક્રમોનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પારંપરિક તેમજ સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ પણ યોજાયો હતો.


