બ્લડ બેંકો, પ્લાઝમાં કલેકશન સેન્ટરો અને લેબોરેટરીઓ પર ગાળીયો કસાશે
અમદાવાદમાં નકલી પ્લાઝમાનું કૌભાંડ ઝડપાતા રાજય સરકાર એકશનમાં : તપાસના આદેશ અપાયા
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં પકડાયેલા હૃદયદ્રાવક પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડે રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી છે. આ ગંભીર મુદ્દાને પગલે રાજ્યના આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કડક પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
આ ગંભીર કૌભાંડની વિગતો આપતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દર્દીઓના આરોગ્ય અને જિંદગી સાથે ચેડાં કરનાર કોઈપણ તત્વને સહેજ પણ બક્ષવામાં નહીં આવે. રાજ્ય સરકાર આ મામલે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી રહી છે.
ભવિષ્યમાં આવી અમાનવીય ઘટનાઓ ફરી ન બને તે માટે રાજ્યભરની બ્લડ બેંકો, પ્લાઝ્મા કલેક્શન સેન્ટરો અને લેબોરેટરીઓ પર મોનિટરિંગ અને દેખરેખની વ્યવસ્થા વધુ મજબૂત અને કડક બનાવવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.
“બ્લડ પ્લાઝ્મા જેવી જીવનરક્ષક(Lifesaving) સામગ્રીમાં ભેળસેળ કરવી એ અત્યંત ગંભીર અને માનવતાવિરોધી ગુનો છે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈને છોડવામાં નહીં આવે. પારદર્શક અને નિષ્પક્ષ તપાસ દ્વારા જવાબદારો સામે કાયદાનું કડકમાં કડક શસ્ત્ર ઉગામવામાં આવશે તેમ પ્રફુલ પાનશેરીયા (આરોગ્ય મંત્રી)એ જણાવ્યું છે.
કોઈપણ સભ્ય સમાજમાં સ્વાસ્થ્ય સેવાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. ચાંગોદરના આ પ્લાઝ્મા કૌભાંડે તબીબી ક્ષેત્રે કાળી શાહી લગાવી છે, પરંતુ અમદાવાદ SOG પોલીસની ત્વરિત કાર્યવાહી અને આરોગ્ય મંત્રીની કડક વલણની જાહેરાતે નાગરિકોમાં ફરી સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ આ કૌભાંડના તમામ તથ્યો અને મુખ્ય સૂત્રધારો બહાર આવશે તેવો દૃઢ વિશ્વાસ સરકારે વ્યક્ત કર્યો છે. આશા રાખીએ કે દોષિતોને એવી કડક સજા થાય જે ભવિષ્યમાં આવા ગુનાહિત માનસ ધરાવતા લોકો માટે એક દાખલો બેસાડે.


