ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકની નિમણૂંકો સામે કોલેજના અધ્યાપકોમાં રોષ
શિક્ષકો સરકારી કોલેજના નિરીક્ષણ કરવાના પરિપત્ર સામે વિરોધ વંટોળ
અગ્ર ગુજરાત, અમદાવાદ
શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કોલેજો પર મોનિટરિંગ અને વાર્ષિક નિરીક્ષણ માટે ઊભી કરવામાં આવેલી ‘ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક (વર્ગ-2)’ ની 10 નવી જગ્યાઓ- નિમણૂકો સામે ભારે વિરોધનો વંટોળ ઊઠ્યો છે. ગુજરાત રાજ્ય સરકારી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા આ પદ અને સંબંધિત તમામ આદેશોનો સખત વિરોધ નોંધાવી તેને મૂળ અસરથી રદ કરવાની માંગ કરવામાં આવી છે.
મંડળે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકારી આદેશ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યની સરકારી કોલેજોના અધ્યાપકો અને વર્ગ-2ના રાજપત્રિત અધિકારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો આપવામાં આવશે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયના કારણે હવે ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક વર્ગ 2ના 10 અધિકારીઓ સરકારી કોલેજના વર્ગ 1 સમકક્ષ દરજ્જો ધરાવતાં પ્રિન્સિપાલની કામગીરી પર નજર રાખશે. ઉચ્ચ શિક્ષણ કમિશનની કચેરી દ્વારા આ જગ્યાઓ ભરવા માટે શિક્ષણ વિભાગને દરખાસ્ત આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાં શિક્ષણ વિભાગે 10 વર્ષના અનુભવ ધરાવતાં શિક્ષકોને બઢતી આપીને ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક વર્ગ 2 તરીકેની ફરજો સોંપવાની આવી છે. આ પ્રકારની પધ્ધતિ સામે સરકારી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે,તાકીદે આ નિમણૂકો રદ કરવી જોઇએ, કારણ કે આ પદ પર કામગીરી કરનારા અધિકારીઓ મૂળ શિક્ષક છે. તેમને વખતો વખતના યુજીસીના રેગ્યુલેશન, કોલેજની કાર્યપદ્ધતિ કે ઉચ્ચ શિક્ષણનો કોઇ જ અનુભવ નથી. જેના કારણે આ ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકની પોસ્ટના કારણે ભવિષ્યમાં વહીવટી સરળતાને બદલે મુશ્કેલી ઉભી થશે. એટલું જ નહી નિમણૂક કરાયેલા ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકો મુળ શિક્ષક હોવાના કારણે તેઓ કોલેજના રાજ્યપત્રિત અધિકારીઓનું નિરીક્ષક અને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરશે તેવી જોગવાઇ થઇ રહી છે જે કોઇપણ રીતે સ્વીકાર્ય નથી. જે કામગીરી ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકને સોંપવામાં આવી છે તે કામ વર્ષોથી કોલેજના આચાર્યના માર્ગદર્શનમાં કરવામાં આવી રહ્યું છે અને મોટાભાગની સરકારી કોલેજો NAACમાં પણ સારો દેખાવ કરી રહી છે. જેના કારણે પણ હાલમાં આ પદની કોઇ જરૂર નથી.
આમ, સમગ્ર પરિસ્થિતિ જોતાં આગામી દિવસોમાં તાકીદે આ પદને મૂળ અસરથી રદ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં આ પદ અને પત્ર રદ કરવામાં ન આવે તો ગુજરાત રાજ્ય સરકારી કોલેજ અધ્યાપક મંડળ અને સરકારી કોલેજના વર્ગ 2ના રાજ્યપત્રિત અધિકારી દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.


