ભાવનગર રેલવેના ટ્રાફિક મેનેજર ગરુડાની રાજકોટ બદલી થતા ડિવિઝનના કર્મચારીઓમાં ખુશીનો માહોલ
ખરાબ વર્તન ધરાવતા અને લાંબા સમયના વિરોધ અને રજૂઆતો બાદ ગરુડાની રાજકોટ ડિવિઝનમાં સેફ્ટી ઓફિસર તરીકે પનિશમેન્ટ પોસ્ટિંગ
અગ્ર ગુજરાત, ઉપલેટા
ભાવનગર રેલવે ડિવિઝનના પરિચાલન અને ટ્રાફિક વિભાગના કર્મચારીઓ માટે એક અત્યંત મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી કર્મચારીઓ માટે માથાના દુખાવા સમાન સાબિત થયેલા અને તેમની સાથે સતત ઘર્ષણમાં રહેલા સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર (Sr. DOM) ચતુરારામ ગરુડાની આખરે ભાવનગરથી રાજકોટ ડિવિઝનમાં બદલી કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા જારી કરાયેલા તાજેતરના સત્તાવાર આદેશ અનુસાર, તેમની બદલી રાજકોટ ડિવિઝનમાં સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર (Sr. DSO) તરીકે કરવામાં આવી છે. રેલવે વર્તુળો અને જાણકારોના મતે, આ માત્ર કોઈ સામાન્ય વહીવટી બદલી નથી પરંતુ સ્પષ્ટપણે એક પ્રકારનું ‘પનિશમેન્ટ પોસ્ટિંગ’ એટલે કે સજાના ભાગરૂપે કરાયેલી નિમણૂક છે. નોંધનીય છે કે, ઓપરેટિંગ વિભાગમાં સત્તા, સુવિધાઓ અને વહીવટી પકડ વધુ હોય છે, જ્યારે તેની સરખામણીમાં સેફ્ટી વિભાગમાં કોઈ સીધી સત્તા હોતી નથી અને જવાબદારીઓ અત્યંત મર્યાદિત રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અધિકારીના માત્ર કર્મચારીઓ પ્રત્યેના જ નહીં, પરંતુ તમામ લોકો પ્રત્યેના વલણમાં ખામી હતી. આ કર્મચારીના ખરાબ વર્તન અને તેમના કામના અસહ્ય દબાણના કારણે કર્મચારીઓ તો પરેશાન હતા જ, પરંતુ સાથે સાથે સ્થાનિક નાગરિકો અને આગેવાનો પણ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા હતા. જ્યારે પણ નાગરિકો કે આગેવાનો કોઈ સમસ્યા કે ફરિયાદ લઈને તેમની ઓફિસે જતા, ત્યારે તેમની સાથે પણ ખરાબ અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાની છેલ્લા ઘણા સમયથી વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. તેમના આ સરમુખત્યારશાહી અને અસહકારભર્યા વલણને કારણે રેલવેની છબી પણ ખરડાઈ રહી હતી.
આ માનસિક ત્રાસ અને દબાણથી કંટાળીને કર્મચારીઓ તથા વિવિધ રેલવે યુનિયનો દ્વારા ઉચ્ચ કક્ષાએ, ખાસ કરીને મુંબઈ હેડક્વાર્ટરમાં, વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી હતી. તાજેતરમાં જ બોમ્બે ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મળેલી પી.એન.એમ. (PNM) ની મહત્વપૂર્ણ બેઠકમાં પણ યુનિયન દ્વારા આ મુદ્દો અત્યંત ઉગ્રતાથી અને મક્કમતાથી ઉઠાવવામાં આવ્યો હતો. કર્મચારી સંગઠનોની આ સઘન લડતના પરિણામે જ આખરે ઉચ્ચ તંત્રએ આ આકરા પગલાં ભરવા પડ્યા છે. આ બદલીના સમાચાર મળતા જ, તેમની સાથે કામ કરતા ભાવનગર ડિવિઝનના કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ બદલી થતા કર્મચારીઓ સહિતના સૌ કોઈ આગેવાનો અને નાગરિકોમાં પણ મોટો હર્ષ જોવા મળી રહ્યો છે.
વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે હવે રાજકોટના Sr. DOM સુનીલ કુમાર ગુપ્તાની બદલી ભાવનગર ડિવિઝનમાં Sr. DOM તરીકે કરવામાં આવી છે. નવા અધિકારીના આગમનથી ભાવનગર ડિવિઝનમાં ફરીથી હકારાત્મક ઉર્જા અને શાંતિપૂર્વક કામગીરી થવાની આશા છે.


