સોમનાથ વંદે ભારતનો રાજકોટ ખાતેનો સ્ટોપ યથાવત રાખવા માંગ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવે મંત્રીને રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશનું અતિ આધ્યાત્મીક અને ઐતીહાસીક તીર્થ સ્થળ એવા સોમનાથ મહાદેવના રાજકોટ-સૌરાષ્ટ્રના હજારોની સંખ્યામાં મુસફારો દર્શને જતા હોય છે. ત્યારે તાજેતરમાં ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા સવારની અમદાવાદ-સોમનાથ અને સાંજની સોમનાથ-અમદાવાદ માટે ચાલતી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનનો રૂટ બદલીને બોટાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવેલ છે. આ ટ્રેનના જુના રૂટ પ્રમાણે રાજકોટ સ્ટેશન ખાતે તેનો સ્ટોપ આપેલ હતો. પરંતુ તેમાં ફેરફાર કરીને રાજકોટ સ્ટેશનને તેમાંથી બાકાત કરવામાં આવેલ છે. જે રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરો માટે ખુબ જ અન્યાયરૂપ સાબિત થયું છે.
સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને અતિ વ્યસ્ત એવા રાજકોટ સ્ટેશનને માંડ માંડ વંદે ભારત એકસપ્રેસ ટ્રેનનો લાભમળ્યો હતો. તેવામાં જુના રૂટમાં ફેરફાર કરી રાજકોટને બાકાત કરવું તે ખરેખર અયોગ્ય છે. આથી રાજકોટ–સૌરાષ્ટ્રના મુસાફરોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવજી તથા સાંસદ સભ્ય પરષોતમભાઈ રૂપાલાજી સમક્ષ અમદાવાદ-સોમનાથ-અમદાવાદ વંદે ભારત એકસપ્રસ ટ્રેનનો જુના પ્રમાણે રાજકોટ ખાતેનો સ્ટોપ યથાવત રાખવા રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.


