આરોપીઓના વરઘોડા કાઢવા પર મૂકેલા DGPના પ્રતિબંધનો ગાંધીનગરમાં જ ઉલાળ્યો
રાજસ્થાન ટુરીઝમમાં ચેરમેન બનાવવા નામે પૈસા લઇ પરત ન આપવા યુવાનને છરીના ઘા માર્યા હતા તેમા પકડાયેલા આરોપીઓનો વરઘોડો કઢાયો હતો
અગ્ર ગુજરાત, ગાંધીનગર
રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. ગાંધીનગરના કુડાસણ સ્થિત એક ફિટનેસ જીમ પાસે તા.29 જૂનને સોમવારે રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. જેમાં બે વ્યક્તિઓને છરી અને અન્ય હથિયારોના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર મામલે અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા ઉત્સવ રોહિતકુમાર પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અંદાજિત 2 મહિના પહેલાં ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવએ એક મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કરી કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવો આદેશ જાહેર કર્યો હતો. હવે ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો કરવામાં આવ્યો છે.
આ ગુનામાં અમદાવાદના જમાલપુર વિસ્તારના અન્ય ચાર યુવકોની સંડોવણી પણ સામે આવી છે, જેમાં માણેકલાલ કાસીયાની ચાલીમાં રહેતો 28 વર્ષીય રીશી કનુભાઈ વાઘેલા, રામાપીરની ચાલીમાં રહેતો 29 વર્ષીય પ્રદિપ દિલીપભાઈ ચૌહાણ, પીરભાઈ ધોબીની ચાલીમાં રહેતો 21 વર્ષીય શાહબાઝ અકબરભાઈ અજમેરી અને રામાપીરની ચાલીમાં રહેતો 21 વર્ષીય હિતેશ સંજયભાઈ દંતાણી શામેલ છે. આ તમામ આરોપીની ધરપડક કરી ગાંધીનગર પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના પૂર્વ DGP ડૉ. કે.એલ.એન. રાવએ એક મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ અનુસાર કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં તેમજ આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. પૂર્વ ડીજીપીએ આપેલી સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આરોપી ભલે ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય, તેમ છતાં કાયદાની મર્યાદામાં રહીને જ તેની સાથે વ્યવહાર કરવો પડશે. આરોપીનું આત્મસન્માન જળવાય અને માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય તે માટે રાજ્યભરની પોલીસને ખાસ તકેદારી રાખવા જણાવાયું હતું. આદેશ મુજબ આરોપીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે પણ પૂરતી સાવચેતી રાખવાની રહેશે. સાથે જ આરોપીને કોઈ હિંસક ટોળા કે જાહેર રોષથી સુરક્ષિત રાખવાની જવાબદારી પોલીસની રહેશે.


