ચાર વર્ષથી અધ્યાપકો વગર જ ઇજનેર કોલેજમાં AIનો અભ્યાસ કરતા છાત્રો
વિષય નિષ્ણાંત નહી હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતની સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ અને ડેટા સાયન્સ જેવા આધુનિક કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ જરૂરી અધ્યાપકોની નિમણૂક ન થતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે. છેલ્લા ચાર વર્ષથી અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓ વિષય નિષ્ણાત શિક્ષકો વિના અભ્યાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજ્ય સરકારે નવી ટેક્નોલોજી આધારિત બ્રાન્ચો શરૂ કરીને વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે, કોર્સ શરૂ થયા બાદ પણ ફેકલ્ટીની ભરતી પૂર્ણ ન થતાં અનેક વિભાગોમાં અધ્યાપકોની ભારે અછત સર્જાઈ છે. પરિણામે વિદ્યાર્થીઓને ગેસ્ટ ફેકલ્ટી અથવા અન્ય વિભાગના શિક્ષકોના આધારે અભ્યાસ કરવો પડી રહ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27માં સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં 100 ટકા બેઠકો ફાળવવામાં આવી છે અને કુલ 1,464 નવી બેઠકોનો વધારો પણ કરવામાં આવ્યો છે. છતાં, આ વધારાને અનુરૂપ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી નથી. જેના કારણે શૈક્ષણિક ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
અધ્યાપક મંડળે સરકાર સમક્ષ સ્ટાફ રીસ્ટ્રક્ચરિંગ કરવાની માંગ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે વર્ષ 2022 બાદ શિક્ષણ વિભાગે સ્ટાફનું પુનર્ગઠન કર્યું નથી, જેના કારણે નવી બ્રાન્ચોમાં અધ્યાપકોની સંખ્યા પૂરતી નથી. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે AI, રોબોટિક્સ અને ડેટા સાયન્સ જેવા ભવિષ્યલક્ષી કોર્સ માટે અનુભવી ફેકલ્ટીની તાત્કાલિક નિમણૂક કરવી જરૂરી છે. નહીં તો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ટેકનિકલ શિક્ષણ આપવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.


