સોનીબજારમાં હૃદય બંધ પડી જતાં બંગાળના યુવાનનું મોત
નવલનગરના ચંદ્રીકાબેન લીંબાચીયાને પણ હૃદયરોગના હૂમલો પ્રાણઘાતક બન્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
હૃદય રોગના હુમલાથી વધુ બે મૃત્યુ થયા છે. જેમાં ભગવતીપરામાં રહેતાં મુળ બંગાળના છત્રીસ વર્ષના યુવાનનું સોની બજારમાં દુકાને ઢળી પડતાં અને નવલનગરમાં ત્રેપન વર્ષના મહિલાનું ઘરે બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. બંનેને હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા સુખ સાગર સોસાયટીમાં રહેતો અનારૂલ અબ્દુલરહેમાન શેખ (ઉ.વ.૩૬) નામનો યુવાન સોની બજાર જુની ગધીવાડમાં પોતાની સોનાના દાગીનાને પોલીશ કામ કરવાની દુકાને હતો ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. તે મુળ બંગાળ કોલકત્તાનો વતની હતો. સંતાનમાં ત્રણ દિકરી છે. પોતે એક બહેનથી નાનો અને પરિવારનો આધારસ્તંભ હતો.
બીજા બનાવમાં નવલનગર શેરી નં.૨માં રહેતાં ચંદ્રીકાબેન યોગેશભાઇ લીંબાચીયા (ઉ.વ.૫૩) નામના મહિલા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ ઇલેક્ટ્રીક કામ કરે છે. ચંદ્રીકાબેનને હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.


