વિરાણી હાઇસ્કૂલમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
મેરા યુવા ભારતના આયોજનમાં વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિનો સંદેશ અપાયો : કોર્પોરેટર સોનલબેન સેલારા, કિશનભાઈ ટીલવા, અરૂણભાઈ નિર્મળ, પ્રિન્સિપાલ હરદેવસિંહ ડોડીયા અને નશાબંધી ખાતાના અધિકારી હિનાબેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
આંતરરાષ્ટ્રીય નશાખોરી અને માદક પદાર્થોના ગેરકાયદેસર વ્યાપાર વિરોધી દિવસ નિમિત્તે મેરા યુવા ભારત (ભારત સરકાર) ના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત રાજકોટ દ્વારા નાર્કોટિક્સ જનજાગૃતિ અભિયાન ના ભાગરૂપે વિરાણી હાઈસ્કૂલ ખાતે સેમિનાર, નાટક તેમજ પોસ્ટર સ્પર્ધાનું આયોજન શ્રીસરદાર પટેલ હોમિયોપેથી મેડિકલ કોલેજ ના વિદ્યાર્થી ના સહયોગથી તેમજ યુવા ભારતના જિલ્લાના અધિકારી શ્રી સ્વરૂપ દેશ ભરથાર તથા મેરા યુવા ભારતના રાજેશભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આ કાર્યકમના મુખ્ય મહેમાન માધ્યમિક શિક્ષણ અને આનુષંગિક સમિતિ રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેન સોનલબેન સેલારા; કોર્પોરેટર તેમજ મેરા યુવા ભારત કમિટી મેમ્બર કિશનભાઇ ટીલવા; રાજકોટ ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરૂણભાઈ નિર્મળ, વિરાણી હાઇસ્કુલના પ્રિન્સિપાલ હરદેવસિંહ ડોડીયા; નશાબંધી ખાતાના અધિકારી શાંતિલાલ ખાનપરા; હિનાબેન તેમજ નશાબંધી ખાતાના જમાદાર હંસાબેન તેમજ ચતુરભાઈ; ડો.હિરલબેન તન્ના તત્વજ્ઞાની તેમજ સરદાર પટેલ મહિલા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહી નશા મૂકત ભારત વિશે માહિતગાર કરેલ હતા.
આ તકે વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હરદેવસિંહ ડોડીયાએ જણાવ્યું કે નશામુક્તિ સેમિનારનો મુખ્ય હેતુ યુવાધનને નશાના દૂષણથી દૂર રાખવા તેમજ નશામુક્ત રાજકોટના નિર્માણ માટે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો.
આ તકે નશાબંધી શાખાના અધિકારી શાંતિલાલ ખાનપરા તેમજ નશાબંધી ખાતાના જમાદાર લતાબેન ચૌહાણએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગ માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજને નશામુક્ત અને સાયબર સુરક્ષિત બનાવવા માટે પણ સતત પ્રયાસશીલ છે. નાગરિકોના સહયોગથી જ સુરક્ષિત, સ્વસ્થ અને જાગૃત સમાજનું નિર્માણ શક્ય બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ તકે માય યુવા ભારતના રાજેશભાઈ રાઠોડ એ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા ખેલ મંત્રાલયના મંત્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ યુવાનોમાં સ્વાસ્થ્ય જાગૃતિ બની રહે અને રમતગમત પ્રત્યે રસ વધારવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. વિવિધ અભિયાનો અને કાર્યક્રમો દ્વારા યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બનાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
સરદાર પટેલ મહિલા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ, અને નાટક ભજવી “નશાને ના કહો, જીવનને હા કહો” જેવા પ્રેરણાદાયી સંદેશાઓ આપી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય નશાખોરી અને માદક પદાર્થોના ગેરકાયદેસર વ્યાપાર વિરોધી કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ કોલેજની તમામ વિદ્યાર્થીનિઓને સર્ટિફિકેટ મહેમાનો ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે યસ રાઠોડ દર્શના પરમાર આયુષી ગોંડલીયા. જાનવી ખત્રી જહેમત ઉઠાવેલ હતી.


