મહારાણા પ્રતાપ અને શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો
અગ્ર ગુજરાત, સુરત
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨ તથા શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળા ક્રમાંક ૧૬ ખાતે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે ભવ્ય પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલવાટિકામાં નવો પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને શાળાપ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૅરમેન રાજેન્દ્રભાઈ કાપડિયા, ઈ.એમ. ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વલ્લભભાઈ સવાણી, બાબુભાઈ વિરડીયા અને રમેશભાઈ વાઘાણી, શાસનાધિકારી ધર્મેશભાઈ પટેલ, નગરસેવક સુરેશભાઈ ધામેલિયા, શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય રાકેશભાઈ ભીકડિયા તેમજ નિરીક્ષકો કિશોરભાઈ અને હસનભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો તથા વાલીઓની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. પ્રવેશોત્સવ દરમિયાન શાળાના પ્રવેશદ્વારેથી નાનાં બાળપુષ્પોને મહાનુભાવોએ આંગળી પકડીને મંચ સુધી દોરી લાવી શિક્ષણયાત્રાનો શુભ પ્રારંભ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ હારબંધ ઊભા રહી મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા વૈશાલીબેને આભારવિધિ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળા ક્રમાંક ૧૬ અને ૨૭૨ના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક કર્યું હતું.


