રાવકીની ખાણમાંથી ગુમ થયેલા મવડીના યુવાનની લાશ મળતાં રહસ્ય ઘેરાયું
મોબાઇલ-પર્સ સહકર્મચારી પાસે મળતાં પિતાએ વ્યક્ત કરી શંકા, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પોલીસે તપાસ તેજ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ચેતન શશીકાંતભાઈ દેવગાણીયાના રહસ્યમય મૃત્યુએ અનેક સવાલો ઊભા કર્યા છે. બુધવારે સવારે રોજની જેમ લોધીકા તાલુકાના રાવકી સ્થિત કંપનીમાં નોકરીએ ગયેલા ચેતન મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. સતત સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહેતા બીજા દિવસે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અંતે રાવકી નજીકની પાણી ભરાયેલી ખાણમાંથી તેમની લાશ મળી આવતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પરિવારના જણાવ્યા મુજબ, ગુરુવારે બપોરે ચેતનનો મોબાઇલ ફોન અચાનક ચાલુ થયો હતો. ફોન તેમના માલિકે ઉપાડતાં પરિવારને રાવકી બોલાવવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતા માલિકે ચેતનનો મોબાઇલ અને પર્સ પરિવારને સોંપ્યા અને જણાવ્યું કે આ સામાન કંપનીમાં કામ કરતા બિહારના કર્મચારી રાહુલે આપ્યો હતો.
ચેતનના પિતા શશીકાંતભાઈએ રાહુલને પૂછપરછ કરતાં તેણે મોબાઇલ અને પર્સ નજીકની ખાણ પાસે મળ્યાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોએ રાહુલને સાથે રાખી સ્થળ પર પહોંચ્યા હતા. ખાણમાં પાણીમાંથી માત્ર માથું દેખાતું હોવાથી બહાર કાઢતા તે ચેતનની ફૂલાયેલી હાલતમાં લાશ હોવાનું સામે આવ્યું હતું.
પિતાનો આક્ષેપ છે કે લાશ મળતાની સાથે જ રાહુલ સ્થળ પરથી ભાગી ગયો હતો, જેના કારણે સમગ્ર ઘટનાને લઈને વધુ શંકા ઊભી થઈ છે. તેમણે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે કે જો ચેતન અકસ્માતે ખાણમાં પડ્યો હોય તો તેનો મોબાઇલ અને પર્સ સહકર્મચારી પાસે કેવી રીતે પહોંચ્યા? સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
ચેતન છેલ્લા છ મહિનાથી રાવકીની એક ખાનગી કંપનીમાં વીએમસી ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો અને દરરોજ રાજકોટથી અપડાઉન કરતો હતો. તે વૃદ્ધ માતા-પિતાનો એકમાત્ર પુત્ર અને અવિવાહિત હતો. એકના એક પુત્રના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
લોધીકા પોલીસે શંકાસ્પદ સંજોગોને ધ્યાનમાં રાખીને મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પ્રાથમિક તપાસમાં કેટલાક મુદ્દાઓ સામે આવ્યા હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે, જોકે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


