રાજકોટમાં પોલિયો સામે મહાઅભિયાનનો પ્રારંભ : ૧.૯૬ લાખથી વધુ બાળકોને રસી પીવડાવવાનો લક્ષ્યાંક
નેશનલ ઈમ્યુનાઈઝેશન દિવસ નિમિત્તે મહાનગરપાલિકાએ ૦થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની ઝુંબેશનો સફળ પ્રારંભ કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ નેશનલ ઈમ્યુનાઈઝેશન દિવસ (National Immunization Day) અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર શહેરમાં ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયો વાયરસથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ સાથે પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા અંદાજે ૧,૯૬,૨૦૦ જેટલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ અન્ય જાહેર સ્થળોએ પોલીયો બૂથ કાર્યરત રાખવામાં આવ્યા હતા, જેથી કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડ ખાતે સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ અને અન્ય મહાનુભાવોના હસ્તે શહેરના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે કરવામાં આવેલ.
વોર્ડ નં. ૭ના વિજયપ્લોટ આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં માનનીય મેયર નેહલભાઈ શુક્લ તેમજ વોર્ડ નં.૭ના તમામ કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને પોલીયોની રસી પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
વોર્ડ નં. ૯ના મુંજકા આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના હસ્તે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વોર્ડ નં. ૬ના કબીરવન આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા તેમજ વોર્ડના તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહી પોલીયો અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. વોર્ડ નં. ૧૮ના કોઠારિયા આરોગ્ય કેન્દ્ર ખાતે દંડક સંજયસિંહ રાણા તેમજ વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓએ ઉપસ્થિત રહી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. વોર્ડ નં.૧ના શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય નાયબ કમિશનર ચેતન નંદાણી તેમજ વોર્ડના અન્ય કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે પોલીયો જેવી ગંભીર બીમારીને દેશમાંથી સંપૂર્ણપણે દૂર રાખવા માટે દરેક બાળકને સમયસર પોલીયોની રસી પીવડાવવી અત્યંત આવશ્યક છે. માતા-પિતાએ પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને નજીકના પોલીયો બૂથ પર લઈ જઈને પોલીયોની બે ટીપાં અવશ્ય પીવડાવવા જોઈએ, ભલે બાળકને અગાઉ નિયમિત રસીકરણ અંતર્ગત પોલીયોની રસી આપવામાં આવી હોય તેવી અપીલ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી બહેનો તેમજ સ્વયંસેવકોએ ઉત્સાહભેર કામગીરી બજાવી હતી.


