જેતપુર નગરપાલિકાની ચૂંટણી લડનાર ‘આપ‘ની ઉમેદવાર નંદની બોસમીયાનો રાજકોટમાં આપઘાત
એમઆર તરીકે નોકરી કરતી 23 વર્ષીય નંદની પોતાના પુરુષ મિત્ર અસલમ સમા સાથે રાજકોટમાં રહેતી હતી
“અસલમ માર મારતો અને તેણે જ મારીને લાશ લટકાવી દીધી” – પરિવારનો આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુર પાલિકાની ચૂંટણી લડનાર આપની ઉમેદવાર નંદની બોસમીયાએ આપઘાત કરી લીધો હતો. જોકે તેમના પિતા સહિતના પરિવારે હત્યાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. એમઆર તરીકે નોકરી કરતી 23 વર્ષીય નંદની પોતાના પરણિત પુરુષ મિત્ર જૂનાગઢના અસલમ સમા સાથે રાજકોટમાં રહેતી હતી. ગઈકાલે સાંજે ગોંડલ ચોકડી નજીક આવેલ ફ્લેટમાંથી તેની લાશ મળી હતી. પરિવારે આક્ષેપ કર્યો કે, અસલમ માર મારતો, તેણે જ મારીને લાશ ટીંગાળી છે. આક્ષેપ બાદ મૃતદેહનું ફોરેન્સિક પીએમ થયું છે.
મળતી માહિતી અનુસાર, નંદનીબેન આનંદભાઈ બોસમીયા (ઉંમર વર્ષ 23, રહે. હાલ આગમન સિટી, પરિન ફર્નિચર પાસે, ગોંડલ હાઇવે, રાજકોટ, મૂળ નવાગઢ, જેતપુર) ગઈકાલે સાંજે 7.30 વાગ્યાં આસપાસ પોતાના રાજકોટ સ્થિત ફ્લેટના હોલમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી.
108ના ઇએમટી દ્વારા સ્થળ પર જ તેને મૃત જાહેર કરાઈ હતી. બનાવની જાણ થતા જેતપુર નવાગઢથી તેમના પરિવારજનો દોડી આવ્યા હતા. તાલુકા પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. મૃતકના પિતા આનંદભાઈ વજુભાઈ બોસમીયાએ જણાવ્યું કે, હું મારાં પત્ની અને સંતાનો સાથે નવાગઢ જેતપુર રહું છું. ટ્રેડિંગનું કામ કં છું. મારે સંતાનમાં 2 દીકરી અને એક દીકરો છે. મોટી દીકરી નંદની એમઆર તરીકે નોકરી કરતી હતી અને રાજકોટમાં પોતાના પુરુષ મિત્ર અસલમ હુસેન સમા સાથે લિવ ઈનમાં રહેતી હતી.
જૂનાગઢમાં અસલમના મકાનમાં ભાડે રહેતી ત્યારે અસલમનો પરિચય થયો હતો. થોડા દિવસથી અસલમ ઝઘડો કરી નંદનીને મારકુટ કરતો હતો. એટલે બે દિવસ પહેલા નજીકમાં સત્યનગરમાં રહેતા તેમના માનેલા ભાઈ રવિભાઈના ઘરે જતી રહીં હતી. પછી પરત આગમન સિટી સી. વિંગ 501 નંબરના ફ્લેટમાં પોતાના ઘરે આવી ગઈ હતી. ગઈકાલે સાંજે 7.30 વાગ્યાં આસપાસ મારી નાની દીકરી રૂપલે નંદનીને ફોન કર્યો પણ ફોન રિસીવ ન કરતા રવિભાઈ જોષીને ફ્લેટે જોવા મોકલતા નંદનીની ગળાફાંસો ખાધેલી લાશ મળી હોવાની જાણ થઈ હતી.
અમે તપાસ કરતા ફ્લેટનો મુખ્ય દરવાજો માત્ર અટકાવેલો હતો. પાછળ બાલ્કનીનો દરવાજો પણ ખુલ્લો હતો. જૂનાગઢમાં રહેતો અસલમ અવારનવાર નંદનીને ત્રાસ આપતો. તે પરણિત હતો. મારી દીકરી સાથે લિવ ઈન સંબંધ હોવા છતાં પરત પોતાની પત્ની પાસે જતો હતો. જેનો નંદનીએ વિરોધ કર્યો હતો.
જોકે અસલમે લાંબો સમય નંદની સાથે સંબંધ રાખ્યા બાદ કહીં દીધું હતું કે, હું મારી પત્ની પાસે તો જઈશ. જેથી બંને વચ્ચે બોલાચાલી થતી એમાં અસલમ મારકૂટ કરતો. અગાઉ અસલમના માતા, સસરા, સાસુ, પત્ની સહિતનાએ જૂનાગઢમાં નંદની ઉપર છરીથી હુમલો કર્યો હતો. આમ, પતિ સહિતના લોકોએ મારીને બનાવને આપઘાતમાં ખપાવવા લાશ ફાંસો ખાધેલી હાલતમાં ટીંગાળી હોવાનો આક્ષેપ છે. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, અસ્લમ બુટલેગર છે. ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. નંદની આનંદભાઈ બોસમીયાએ વર્ષ 2025માં જેતપુર નવાગઢ નગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માંથી ઉમેદવારી કરી હતી. તેના પિતા આનંદભાઈ આપના કાર્યકર પણ છે. નંદનીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.


