લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા
મનહરલાલ સાતાને એક માસની સજા સાથે રૂા.1.50 લાખનો દંડ, દંડ નહીં ભરે તો વધુ બે માસની કેદનો હુકમ
અગ્ર ગુજરાત, રાજકોટ
ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે રાજકોટની અદાલતે કડક વલણ અપનાવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ દાખલ થયેલા કેસમાં શહેરના જાણીતા મસાલા વેપારી મનહરલાલ ડાયાલાલ સાતાને અદાલતે તકસીરવાન ઠેરવી સજા તથા કુલ રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો અલગ-અલગ દંડ પેટે વધુ કુલ બે માસની કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફુડ સેફટી ઓફિસર કે.એમ. રાઠોડ દ્વારા 18 એપ્રિલ 2017ના રોજ નિયમિત તપાસના ભાગરૂપે 80 ફુટ રોડ પર આઈ.ઓ.સી. પેટ્રોલપંપની પાછળ આવેલા સોરઠીયાવાડી મરચાપીઠ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં મનહરલાલ ડાયાલાલ સાતા દ્વારા મસાલાનું વેચાણ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન લાલ મરચાના પાવડરની ગુણવત્તા અંગે શંકા ઉપજી હતી. પરિણામે નિયમ મુજબ પંચોની હાજરીમાં તથા વેપારીની હાજરીમાં લાલ મરચાના પાવડરનો નમૂનો લેવામાં આવ્યો હતો.
નમૂનો તપાસ માટે વડોદરા સ્થિત ફુડ એનાલિસિસ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. લેબોરેટરીના પૃથક્કરણમાં લાલ મરચાના પાવડરમાં સામાન્ય રીતે ખાદ્ય પદાર્થમાં ઉપયોગ માટે મંજૂર ન હોય તેવા ઘટકો મળી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. રિપોર્ટમાં નોન-પરમિટેડ ઓઈલ ઉપરાંત સોલ્યુબલ પિંક અને ઓરેન્જ કલર તથા કોલટર ડાઈ જેવા પદાર્થોની હાજરી નોંધાઈ હતી. એટલે કે મરચાના પાવડરને વધુ આકર્ષક દેખાડવા માટે પ્રતિબંધિત રંગો સહિતના પદાર્થો ભેળવવામાં આવ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.
લેબોરેટરીના આ રિપોર્ટના આધારે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ મનહરલાલ સાતા સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વેપારીને નમૂનાનું પુનઃપૃથક્કરણ કરાવવા માટે રેફરલ ફુડ લેબોરેટરીમાં મોકલવાની કાયદેસરની તક પણ આપવામાં આવી હતી, પરંતુ આરોપી દ્વારા નમૂનો રેફરલ લેબોરેટરીમાં મોકલવાની ઇચ્છા દર્શાવવામાં આવી નહોતી.
કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે આરોપ સામેના પુરાવા તરીકે કુલ 23 જેટલા મહત્વના દસ્તાવેજો રજૂ કર્યા હતા. નમૂનો લેવાની કાર્યવાહી વખતે હાજર રહેલા પંચની પણ અદાલતમાં સાક્ષી તરીકે તપાસ કરવામાં આવી હતી. બીજી તરફ આરોપી પક્ષ દ્વારા ફરિયાદી ફુડ સેફટી ઓફિસરની નિમણૂકને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને તેઓ સરકાર દ્વારા નોટિફાઈડ ફુડ સેફટી ઓફિસર ન હોવાનો બચાવ રજૂ કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે ફરિયાદી પક્ષ તરફથી નોટિફિકેશન અને ફુડ સેફટી ઓફિસરની કાયદેસરની નિમણૂક અંગે વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી. અદાલતે બંને પક્ષની દલીલો તથા રજૂ થયેલા દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓનું અવલોકન કર્યા બાદ ફરિયાદી ફુડ સેફટી ઓફિસરની નિમણૂક કાયદેસર હોવાનું સ્વીકાર્યું હતું.
કોર્ટ સમક્ષ ફરિયાદી પક્ષે એવી દલીલ પણ કરી હતી કે આરોપીએ આર્થિક લાભ મેળવવાના હેતુથી જાણપૂર્વક પ્રતિબંધિત પદાર્થો મરચાના પાવડરમાં ભેળવી તેનું વેચાણ કર્યું હતું. ખાદ્ય પદાર્થમાં પ્રતિબંધિત રંગ અને અન્ય પદાર્થોનો ઉપયોગ ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર બાબત હોવાનું પણ અદાલતના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું.
કેસની સમગ્ર હકીકત, લેબોરેટરી રિપોર્ટ, સાક્ષીઓ, દસ્તાવેજો તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં લીધા બાદ અદાલતે મનહરલાલ ડાયાલાલ સાતાને ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કલમ 59(1) સહિતની જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. અદાલતે એક માસની સજા સાથે અલગ-અલગ કલમો હેઠળ કુલ રૂા.1.50 લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ન ભરવામાં આવે તો દરેક દંડ પેટે વધુ એક માસની સજા એટલે કે કુલ બે માસની વધારાની કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં રાજકોટ મહાનગરપાલિકા તરફથી જાણીતા એડવોકેટ જીજ્ઞેશ એન. શાહે અસરકારક રજૂઆતો કરી હતી. લાંબા સમયથી ચાલેલા આ કેસમાં અંતે અદાલતે ભેળસેળ કરનાર વેપારી સામે કડક ચુકાદો આપતા ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
મિલાવટખોરો માટે કડક સંદેશ
લાલ મરચાના પાવડરમાં પ્રતિબંધિત રંગો અને અન્ય પદાર્થોની ભેળસેળનો આ કેસ માત્ર એક વેપારીને થયેલી સજા પૂરતો સીમિત નથી. અદાલતના આ ચુકાદાથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને ગ્રાહકોના આરોગ્ય સાથે રમત રમતા વેપારીઓને કાયદો છોડશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ ગયો છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સમયાંતરે લેવામાં આવતા નમૂનાઓ અને તેના આધારે થતી કાયદેસરની કાર્યવાહીનું મહત્વ પણ આ ચુકાદાથી વધુ સ્પષ્ટ બન્યું છે.આ કામે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન રાજકોટના જાણીતા એડવોકેટ જીજ્ઞેશ એન. શાહ રોકાયેલા હતા.


