આજી-૨ ડેમના બે દરવાજા ખોલાયા, ભાદર-૨ જળાશય છલકાવાની તૈયારીમાં: તંત્ર એલર્ટ
ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમમાં નવાનીરની આવક: નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સુચના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત જિલ્લાની વિવિધ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં અને ઉપરવાસના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસતાં રાજકોટ અને આજુબાજુના જળાશયોમાં નવા નીરની આવક થતાં આજી-૨ ડેમના બે દરવાજા ભાદર-૨ ડેમ છલકાવવાની તૈયારીમાં હોવાથી નિચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે.
વરસાદને કારણે પાણીની આવકને પગલે રાજકોટ તાલુકાના આજી-૨ ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે, ડેમના બે દરવાજા રાતે ૧.૧૦ કલાકે ૦.૦૭૬૨ મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.
આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
ડેમની પૂર્ણ જળસપાટી ૭૩.૭૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૭૨.૫ મીટર છે, આવક અને જાવક ૩૪૦ ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
ભાદર-૨ ડેમની જળસપાટી હાલમાં 50.35 મીટર સુધી પહોંચી ગઈ છે, જ્યારે તેની પૂર્ણ સપાટી 53.1 મીટર છે. ડેમમાં હાલ પણ 754 ક્યુસેક જેટલી પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની સંભાવના વધી ગઈ છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સાવચેત કરવામાં આવ્યા છે.
ખાસ કરીને ધોરાજીનું ભોળા ગામ, કુતિયાણાનું ભોગસર અને ઉપલેટાના ડુમિયાણી ગામના રહેવાસીઓને વહેલી તકે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત ધોરાજીના ભોલગામડા, સુપેડી તેમજ ઉપલેટા, કુતિયાણા, માણાવદર અને નવી બંદર સહિતના આશરે 35 થી વધુ ગામડાઓને વહીવટી તંત્ર દ્વારા ખાસ ચેતવણી સંદેશ (એલર્ટ) જારી કરવામાં આવ્યો છે.
ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે, નદીના પટમાં કે નદી કિનારાના વિસ્તારમાં કોઈ પણ નાગરિકે અવરજવર કરવી નહીં. નીચાણવાળા વિસ્તારોમાં પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્રની ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે ડેમનું જળસ્તર વધવાની શક્યતા જોતા, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.


