આરપીએફે મુસાફરનો અંદાજે ₹1.12 લાખની કિંમતનો સામાન પરત કર્યો
પ્રમાણિકતા અને ફરજનિષ્ઠાનું ઉદાહરણ બની આરપીએફ, મુસાફરનો કીમતી સામાન સુરક્ષિત પરત સોંપ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) એ ઓપરેશન અમાનત અંતર્ગત એક મુસાફરનો અંદાજે ₹1.12 લાખની કિંમતનો કીમતી સામાન સુરક્ષિત રીતે પરત કરીને પ્રમાણિકતા, તકેદારી અને સેવાભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, 03 જુલાઈ 2026ના રોજ આરપીએફ રાજકોટનો સ્ટાફ ટ્રેન સંખ્યા 12267 મુંબઈ સેન્ટ્રલ–હાપા દુરંતો એક્સપ્રેસમાં સુરેન્દ્રનગરથી રાજકોટ વચ્ચે એસ્કોર્ટ ડ્યુટી પર તૈનાત હતો. પેટ્રોલિંગ દરમિયાન કોચ સંખ્યા B-6 ની સીટ સંખ્યા 54 પર એક કાળા રંગની લાવારિસ બેગ મળી આવી હતી. મુસાફરોની પૂછપરછ કરતા માહિતી મળી કે ઉક્ત સીટ પર મુસાફરી કરી રહેલા મુસાફર અમદાવાદ સ્ટેશન પર ઉતરી ગયા હતા અને સંભવતઃ આ બેગ તેમની જ છે.
ત્યારબાદ આરપીએફ ટીમે સંબંધિત ટીટીઈ (TTE) નો સંપર્ક કરીને મુસાફરનો મોબાઈલ નંબર મેળવ્યો અને મુસાફર સાથે વાતચીત કરી. મુસાફર સુમિત શાહે જણાવ્યું કે તેઓ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ જંકશન સુધી મુસાફરી કરી રહ્યા હતા અને અમદાવાદ સ્ટેશને ઉતાવળમાં તેમની બેગ ટ્રેનમાં જ છૂટી ગઈ હતી.
બેગની તપાસ કરતા તેમાંથી એક લેનોવો (Lenovo) લેપટોપ, ₹2,270 રોકડા અને મોબાઈલ ચાર્જર મળી આવ્યું હતું. આરપીએફ ટીમે તત્પરતા અને સજાગતા દાખવીને મુસાફર સાથે સંપર્ક સ્થાપિત કર્યો અને સામાનને સુરક્ષિત રીતે પોતાના કબજામાં રાખ્યો. બાદમાં મુસાફર રાજકોટ સ્થિત આરપીએફ રિઝર્વ કંપની ઓફિસે પહોંચતા ઓપરેશન અમાનત અંતર્ગત અંદાજે ₹1,12,270 ની કિંમતનો કીમતી સામાન વિધિવત અને સુરક્ષિત રીતે તેમને સોંપવામાં આવ્યો હતો.
પોતાનો સામાન સહીસલામત પરત મળવા પર મુસાફરે આરપીએફ રાજકોટની તત્પરતા, પ્રમાણિકતા અને સેવાભાવનાની પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આરપીએફ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર કમલેશ્વર સિંહે આ પ્રશંસનીય કામગીરી માટે સંબંધિત રેલવે કર્મચારીઓની તત્પરતા, પ્રમાણિકતા અને ફરજનિષ્ઠાના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના આરપીએફની ઉત્કૃષ્ટ કાર્યશૈલી અને મુસાફરોની સુરક્ષા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.


