- લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા નોટિફિકેશન જાહેર થશે
- બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા નોન-મુસ્લિમને મળશે નાગરિકતા
- કોઈપણ દસ્તાવેજો વગર ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજદારો કરી શકશે અરજી
નાગરિકતા સંશોધન કાયદો (CAA) ને ટૂંક સમયમાં દેશભરમાં લાગુ કરવામાં આવી શકે છે. સૂત્રોએ મંગળવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલય લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગુ થાય તે પહેલા કોઈપણ સમયે CAA નિયમોને અધિસૂચિત કરી શકે છે. CAA નિયમ દ્વારા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા લઘુમતીઓની ભારતીય નાગરિકતાની અરજીઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
CAA હેઠળ, કેન્દ્રની મોદી સરકાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ – હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ – ને ભારતીય નાગરિકતા પ્રદાન કરવા માંગે છે જેઓ 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવ્યા હતા.
ચાર વર્ષથી વધુના વિલંબ બાદ, CAAના અમલીકરણ માટે નિયમો બનાવવા જરૂરી છે. અધિકારીઓએ કહ્યું કે નિયમો તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે, કારણ કે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે અને અરજદારો તેમના મોબાઈલ ફોનથી પણ અરજી કરી શકશે. અરજદારોએ તે વર્ષ જણાવવું આવશ્યક છે કે જેમાં તેઓ મુસાફરી દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં નહિ આવે. પશ્ચિમ બંગાળમાં ગત વિધાનસભા ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓમાં વિવાદાસ્પદ CAA લાગુ કરવાનું વચન ભાજપનો મુખ્ય ચૂંટણી મુદ્દો હતો.
ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા CAA પસાર કરવામાં આવ્યા અને રાષ્ટ્રપતિની સંમતિ પ્રાપ્ત થયા બાદ, દેશના કેટલાક ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, જેના પરિણામે ઘણા લોકોના મોત થયા હતા. જ્યારે બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે આસામમાં 4 ડિસેમ્બર 2019 ના રોજ વિરોધ શરૂ થયો હતો. ટૂંક સમયમાં આ વિરોધ પ્રદર્શન દિલ્હી સહિતના મોટા શહેરોમાં ફેલાઈ ગયો હતો. વિરોધ પ્રદર્શનને પરિણામે 27 લોકોના મોત થયા જેમાંથી 22 લોકો માત્ર ઉત્તર પ્રદેશના હતા. એક હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આંદોલનકારીઓ સામે 300 થી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા.


