- આ મેચ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની હતી
- સ્કુલ સ્પોર્ટસ ઈવેન્ટને કારણે સ્ટેડિયમ બદલવામાં આવ્યુ
- આયર્લેન્ડ ક્રિકેટ ટીમ માટે ખૂબ જ ખાસ છે આ ટેસ્ટ મેચ
આ દિવસોમાં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. જેની પ્રથમ મેચ 28 ફેબ્રુઆરી બુધવારથી શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે, મેચ શરૂ થવાના થોડા સમય પહેલા આ મેચનું સ્થળ બદલવામાં આવ્યું હતું. આ પહેલા આ મેચ અબુ ધાબીના ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની હતી. જે બાદ હવે આ મેચ ટોલરન્સ ઓવલ ખાતે રમાઈ રહી છે. મેચનું સ્થળ અચાનક બદલવાનું મોટું કારણ પણ સામે આવ્યું છે.
સ્કુલ સ્પોર્ટસ ઈવેન્ટને કારણે સ્ટેડિયમ બદલાયું
વાસ્તવમાં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ અબુ ધાબીના ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવાની હતી. સ્થાનિક સ્કૂલ સ્પોર્ટ્સ ઈવેન્ટને કારણે છેલ્લી ઘડીએ મેચનું સ્થળ બદલવામાં આવ્યું હતું. વાસ્તવમાં, અબુ ધાબી સ્કૂલ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપે તેની સ્પર્ધા માટે ઝાયદ સ્ટેડિયમ પસંદ કર્યું હતું.
ટોલરન્સ ઓવલ સ્ટેડિયમમાં શિફ્ટ કરાઇ મેચ
અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ ટોલરન્સ ઓવલ સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી હતી. હવે પ્રથમ વખત ટોલરન્સ ઓવલ ખાતે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમાઈ રહી છે. દુબઈના ઝાયદ સ્ટેડિયમમાં દર્શકોની બેઠક ક્ષમતા 20 હજાર છે જ્યારે ટોલરન્સ ઓવલમાં દર્શકોની બેઠક ક્ષમતા 12 હજાર છે.
અબુ ધાબી ક્રિકેટ એન્ડ સ્પોર્ટ્સ હબના સીઈઓ મેટ બાઉચરે મેચના સ્થળમાં ફેરફારને સમર્થન આપવા બદલ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ, ક્રિકેટ આયર્લેન્ડ, અમીરાત ક્રિકેટ બોર્ડ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનો આભાર વ્યક્ત કર્યો છે.
આયર્લેન્ડ માટે ખૂબ જ ખાસ છે આ મેચ
ટોલરન્સ ઓવલમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચ આયર્લેન્ડ ક્રિકેટ ટીમ માટે ખૂબ જ ખાસ છે. વર્ષ 2018માં આયર્લેન્ડે ટેસ્ટ ક્રિકેટનો દરજ્જો મેળવ્યો હતો. જે બાદ આયર્લેન્ડ એક પણ ટેસ્ટ મેચ જીત્યું નથી. હવે આ મેચમાં અફઘાનિસ્તાનને હરાવીને આયરિશ ટીમ પોતાની પ્રથમ ટેસ્ટ જીતનો સ્વાદ ચાખવા માંગશે. જોકે, આયર્લેન્ડ માટે આ એટલું સરળ નથી, અફઘાનિસ્તાનને આયર્લેન્ડ કરતા વધુ મજબૂત ટીમ માનવામાં આવે છે.


